જિલ્લાના 500થી વધુ સખી મંડળોને કુલ રૂ.6 કરોડની કેશ ક્રેડિટ અપાઇ: 400 જેટલા સ્વસહાય જૂથોને આશરે રૂ.4 કરોડથી વધુ લોન
ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની લિમિટેડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના 11 તાલુકામાં કાર્યરત 578 સખીમંડળને કુલ રૂ. 6 કરોડનું સી.સી (કેશ ક્રેડિટ)નું વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે 50 ટકા બહેનો સરપંચ હોવાની માહિતી આપી, બનાસકાંઠાના કાર્યક્રમમાં વડાપ્રધાન અને બહેનોના વાર્તાલાભ વિશેની વાત કરી હતી. બહેનોને સીધી જ રીતે સહાય મળી રહે તે માટે જનધન યોજનાની કાગીરીની પણ સરાહના કરી હતી.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાના વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી.
સાંસદ મોહનભાઈ કુંડારિયા એ સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને બિરદાવી હતી. તેઓએ મંડળની બહેનો દ્વારા વધુને વધુ બહેનોને પોતાની સાથે જોડાવા અપીલ કરી હતી.
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હોય છે, તેમના ક્ષેત્રમાં તેઓને વધુને વધુ આગળ વધારવાના હેતુથી બેન્કો દ્વારા લોનની સહાય આપવામાં આવી રહી છે. મહિલાઓને વધુ પ્રમાણમાં આ યોજનાનો લાભ લેવો જોઈએ.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સરકાર અને રાજકોટ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહયો છે.
આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકારિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વસાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. આર. ધાધલ, જિલ્લા લાઈવલીહૂડ મિશન મેનેજર વિરેન બસિયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મોહનભાઈ દાફડા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ક્યાડા, રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક નાં સી.ઈ.ઓ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન મનોજ કુમાર, બેંક ઓફ બરોડા, નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક તથા વિવિધ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.