કુદરતી ખાતરથી ગુણવતાયુકત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા વધે: વર્ષે 5 રૂપીયાની આવક મેળવતો ખેડુત પરિવાર: મહિલા ખેડુત અન્ય મહિલા ખેડુતોને આપે છે તાલીમ
મુક્તાબેન રમેશભાઈ રૈયાણી, જેઓ ખેતીમાં નવું નવું શીખવાનો અને અમલ કરવાનો એમને શોખ અને ધગશ. વર્ષ-2014માં ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા અપાતી કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમની માહિતી મળતાં તેઓ રાજકોટ પહોંચી ગયા અને ચાર દિવસની તાલીમ લીધી. એ પછી તો અનેક તાલીમ અને વર્કશોપમાં ભાગ લીધો. આ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને છેલ્લા છ વર્ષ કરતાં વધુ સમયથી 14 વીઘામાં, ઝીરો બજેટવાળી સંપૂર્ણ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી કરે છે, સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવે છે. હવે તો મુક્તાબેન રૈયાણી પોતે બીજા ખેડૂતોને પ્રાકૃતિક, ગાય આધારિત ઝીરો બજેટ ખેતીની તાલીમ આપે છે.
કેવી રીતે શરૂ કરી પ્રાકૃતિક ખેતી તે અંગે મુક્તાબેન કહે છે કે, છ-સાત વર્ષ પહેલાં આસપાસના ગામોની બહેનોને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમમાં જતી જોઈને હું પણ જોડાઈ હતી. તાલીમ લઈને પહેલા વર્ષે અમે વાડીમાં પાંચ ચાસમાં પ્રાકૃતિક ખેતી કરી. જેના સારા પરિણામ મળતાં બીજા વર્ષે એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી. હવે અમે કુલ 14 વીઘામાં પ્રાકૃતિક ખેતી તેમજ ગૌ આધારિત ખેતી કરીએ છીએ. પેસ્ટીસાઇડ્સ કે વિદેશી ખાતર છાંટવાની જરૂર પડતી નથી. આથી કોઈ ખર્ચ થતો નથી, ઝીરો બજેટમાં ખેતી થાય છે, ઉત્પાદન ગુણવત્તાવાળું થાય છે, જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે. હાલ તેમણે ખેતરમાં મગફળી અને કપાસ વાવ્યા છે.
પ્રાકૃતિક જંતુનાશકો તથા ખાતર કેવી રીતે બનાવો છો? તે અંગે તેઓ કહે છે કે, સરકારે આપેલી તાલીમ પછી ખાટી છાશ, એરંડી, લિંબોળીનો ખોળ, લીંબોળીનો ક્રશ, બેક્ટેરિયા, વર્મી કમ્પોસ્ટ તથા ગાયના છાણમાંથી બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, પંચગવ્ય, ગૌમૂત્રમાંથી જંતુનાશકો તથા ખાતર બનાવીને ખેતરમાં છાંટીએ છીએ. બેક્ટેરિયા છાંટવાથી ફૂગ થતી નથી. લિંબોળીનો ક્રશ છાંટવાથી જીતજંતુઓ થતા નથી. જમીનની ફળદ્રુપતા પણ સારી રહે છે. ગાયના છાણ તેમજ વર્મી કમ્પોસ્ટથી બનેલા ખાતરથી ઉત્પાદન સારું થાય છે.
મુક્તાબેન પાસે બે ગાયો અને બે વાછરડા છે. મુખ્યમંત્રી ગાયનિભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત તેમને હાલમાં જ રૂપિયા 5400 સીધા તેમના બેંક ખાતામાં જ મળ્યા છે. આ અરજી તેમણે પંચાયત મારફત કરી હતી, પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાયનિભાવ સહાય બદલ તેમણે ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પ્રાકૃતિક તેમજ ગૌ આધારિત ખેતી થકી અમે વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયા કમાઈ લઇએ છીએ, તેમ મુક્તાબેનના પતિ રમેશભાઈ રૈયાણીએ જણાવ્યું હતું.
મુક્તાબેન હવે પ્રાકૃતિક ખેતીના પ્રચારક (ફાર્મર્સ ફ્રેન્ડ) બની ગયા છે અત્યાર સુધીમાં 250 જેટલા ખેડૂતોને તેઓ તાલીમ-માર્ગદર્શન આપી ચૂક્યા છે. પ્રાકૃતિક ખેતીની તાલીમમાં ભાગ લેવા અને અન્યોને પ્રોત્સાહન આપવા બદલ તેમને 20 જેટલા સન્માન-પ્રમાણપત્ર પણ મળી ચૂક્યા છે.
લોધિકાના એફ.પી.ઓ.માં મહિલા ડિરેકટર તરીકે નિમણુંક
મુકતાબેનની ધગશ અને સફળતા જોઈને રાજકોટજિલ્લાના લોધિકા તાલુકાના ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન એફ.પી.ઓ. માં ડિરેકટર તરીકે તેમનો સામેથી સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓકહેછેકે,ગુજરાત સરકાર ખેતીમાં નવી નવીશોધ અને પધ્ધતિઓ તેમજ પ્રાકૃતિક ખેતી સહિતની જેકંઈ પણ તાલીમ આપે છે.તે ખૂબ ઉપયોગી છે આજે પણ મને એવી જાણ થાય કે કોઈ જગ્યાએ તાલીમ અપાય છેતોહુંતુરંત ત્યાં પહોચી જાઉ છું.