વૈશ્વિક નેતા અને દેશને આત્મનિર્ભરની દિશા આપનાર તેમજ જેમના માર્ગદર્શનમાં જી-20 સમિટનું સફળ આયોજન કરી ભારતનું ગૌરવ વધાર્યુ છે. તેવા યશસ્વી અને કર્મઠ અને દેશની જનતાના હ્રદય સમ્રાટ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના બે દિવસ પ્રવાસે છે. સંસદના વિશેષ સત્રમાં ઐતિહાસીક નારીશક્તિ વંદન અધિનીયમ 2023 બીલ સંસદમાં બહુમતી સાથે પસાર કરી નારીશક્તિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાચા અર્થમાં સન્માન આપ્યું છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે નારીશક્તિને વંદન મોદીને અભિનંદન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અભિવાદન સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એરપોર્ટ થી કાર્યક્રમના સ્થળ સુધી રોડ-શો થકી મહિલાઓનું અભિવાદન સ્વીકાર્યું હતું.
વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધિત્વ વધશે, નારીશક્તિ વંદન અધિનિયમ બીલ દેશની દરેક બહેનોને રક્ષાબંધનની ભેટ: નરેન્દ્ર મોદી
પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ માતૃભૂમિ ને વંદન કરી સંબોધન કરતા જણાવ્યું કે, અંહી ઉપસ્થિત માતા અને બહેનોના ચહેરામાં એક અલગ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. આનંદ થાય તે સ્વભાવિક છે કારણકે તમે જે વિશ્વાસ સાથે મને દિલ્હી મોકલ્યો તે વિશ્વાસને વધારનારુ એક કામ મે દિલ્હીમાં કર્યુ છે. નારી શક્તિ વંદન અધિનીયમ એટલે વિઘાનસભાથી લોકસભા સુધી મહિલાઓને પ્રતિનિધત્વ મળે તે મોદીની ગેરંટી છે. મહિલા અનામતનું સ્વપ્ન વર્ષો પહેલા ગુજરાતની ધરતીથી આપણે સાથે મળી જોયુ હતું અને આજે આ સંકલ્પની સિદ્ધી સાથે તમારી સમક્ષ ઉપસ્થિત છું.
મોદીએ રક્ષાબંધન તહેવારની વાત કરતા જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાતની બહેનોએ રક્ષાબંધન પર મને ખૂબ રાખડીઓ મોકલી હતી. રાખડી મળે એટલે ભાઇ તરફથી એક ભેટ આપવાનો પણ રિવાજ છે. મે આ વખતે બહેનો માટે ગીફટ પહેલાથી જ તૈયાર કરી રાખી હતી.આજે કહી શકું છું કે નારી શક્તિ અધિનીયમ દેશની બહેનો માટે ગીફટ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોના અધિકારની ગેરંટી છે,બહેનોના સ્વપ્ન પુરા થશે તેની ગેરંટી છે,દેશની નારી શક્તિના સામર્થ્યનું સન્માન છે, વિકસીત ભારતની ગેરંટી છે. નારી શક્તિ અધિનીયમ પસાર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આઝાદીના વર્ષો વિત્યા તેમ છતા નારી શક્તિના સામર્થ્યને ન્યાય મળ્યો ન હતો. મહિલાઓની ભાગીદારી વગર દેશ ઝડપથી વિકાસ ન કરી શકે. ગુજરાતમાં પરિવાર,સમાજ અને સ્ટેટ એમ ત્રણેય સ્તર પર મહિલા સશક્તિકરણ પર ઘણા અભિયાન ચલાવ્યા હતા. દરેક સ્તર પર મહિલાઓનું પ્રતિનિધત્વ વધારવા સમરસ પંચાયતનો પ્રયોગ શરૂ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું કે, ભાજપ એક જવાબદાર રાજકીય પાર્ટી હોવાથી જનહિત માટે ઘણા નિર્ણયો કર્યા અને નવી રાજકીય પરંપરા શરૂ કરી. સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ચાર મહત્વના પદ મેયર,ડે.મયેર,સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન અને પક્ષના નેતાનું પદ એક મહિલા રીઝર્વ રાખવાનો પ્રયાસ કર્યો. ગુજરાતમાં વર્ષો પહેલા જેન્ડર બજેટનો એક અનોખો પ્રયાસ કર્યો હતો. બહેનો અને મહિલાના સર્વસમાવેશી વિકાસ માટે સર્વગ્રાહી નારી ગૌરવ નીતી બનાવનાર ગુજરાત દેશનું પહેલુ રાજય હતું. ગુજરાતમાં પોલીસ સહિત સરકારી ભરતીઓમા મહિલાઓ માટે 33 ટકા અનામત છે.ગુજરાતમાં પશુપાલનમાં 65 ટકા ભાગીદારી મહિલાઓની છે અને એકલા ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં 35 લાખથી વઘુ મહિલાઓ સક્રિય ભાગીદારી કરી રહી છે.
મહિલાઓની વધતી તાકાતનું પરિણામ છે કે નારી શક્તિ વંદન અધિનીયમ સંસદમાં બહુમતી સાથે પસાર થયું. જે લોકોએ વર્ષો સુધી બીલ લટકાવી રાખ્યુ તેમને પણ મહિલાઓના ડરથી બીલનું સમર્થન કરવામાં મજબુરીમાં મત આપવો પડયો. વિપક્ષોએ બહાના કરી મહિલાઓને અલગ અલગ વર્ગોમાં વહેંચી તાકાતને કમજોર કરવાનું ષડયંત્ર રચ્યું પરંતુ સરકારની તાકાત જોઇ તેમને સમર્થનમાં મત આપવો પડયો. આ બીલ પસાર થવાથી ટુંક સમયમાં મહિલાઓ લોકસભા અને વિધાનસભામાં મોટી સંખ્યામાં પહોચશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશના દરેક વર્ગનો સર્વગ્રાહી, સર્વપોશી, સર્વસમાવેશી વિકાસ થયો છે. દેશની નારી શક્તિને વધુ સશક્ત કરવાનું કામ કર્યુ છે. દેશની મહિલા શક્તિના આશિર્વાદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ઐતિહાસીક નિર્ણય થયો છે. નારી શક્તિ બિલ દેશનું ભાગ્ય બદલશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ત્રીપલ તલાક,કલમ 370 દુર કરવી અને નારી શક્તિ અધિનીયમ તેમના નેતૃત્વમાં અમલી થશે. નારી શક્તિ વંદન અધિનીયમ નવા ભારતની નવી લોકતાંત્રીક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. આ સામાન્ય બીલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુધારવાની વુમન લેડ ડેવલોપમેન્ટનો યુગ લાવવાની નરેન્દ્રભાઇ મોદીની ગેરેંટીનું પ્રત્યેક્ષ પ્રમાણ છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટલે જણાવ્યું કે, કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા મહિલાઓની તાકાતને અવગણીને અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક વખત મહિલા અનામત બિલ પરત કરી તેનું અપમાન કરી મહિલાઓને અન્યાય કર્યો હતો જેને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દુર કર્યો છે. હમેંશા મહિલાઓને તેમનો અધિકાર મળે તે માટે પ્રયાસ કરતા રહે છે અને નવી સંસદમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત મળે તે માટે બીલ પસાર કર્યુ. મહિલા અનામત બિલને વિરોધ પક્ષ જો સમર્થન ન આપે તો દેશની મહિલા સામે વિપક્ષ ગુનેગાર સાબિત થાય તેવુ વાતાવરણ બનાવ્યું હતુ જેના કારણે તેમને સમર્થન આપ્યુ. આ દેશની મહિલાઓ વર્ષોથી લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામત માટે પ્રયત્ન કરી રહી હતી.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રતિભાબેન જૈન,જિલ્લા પંચાયચના પ્રમુખ કંચનબેન વાઘેલા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો.દિપિકાબેન સરડવા, મહિલા સાંસદો અને ધારાસભ્યો તેમજ ચૂંટાયેલા અને સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.