આજે પણ ઘણી જગ્યા, ઘણા વર્ગો એવા છે જ્યાં મહિલાઓને હક્ક અને ભાગીદારી નથી મળતી, વિવિધ સમસ્યાઓ સ્ત્રીઓ ક્યાંકને ક્યાંક ભોગવે છે જેના પર મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1350 સ્ત્રીઓ પર સર્વે હાથ ધર્યો
આજે આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં મહિલાઓની સ્થિતિ સંતોષજનક કહી શકાય તેમ નથી. આધુનિકતાના વિસ્તરણ સાથે દેશમાં દિવસેને દિવસે થતા મહિલાઓ સામેના અપરાધો અને તેની સમસ્યાઓ ઘણી છે. તેઓ હજુ પણ વિવિધ પ્રકારના ધાર્મિક રિવાજો, અયોગ્ય સ્ટીરિયોટાઇપ્સ, જાતીય અપરાધો, લિંગ ભેદભાવ, ઘરેલું હિંસા, નિમ્ન પ્રમાણભૂત જીવનશૈલી, નિરક્ષરતા, કુપોષણ, દહેજ ઉત્પીડન, સ્ત્રી ભ્રૂણ હત્યા, સામાજિક અસુરક્ષા, બળાત્કાર અને ઉપેક્ષાનો ભોગ બને છે.
જો કે, છેલ્લા કેટલાક સમયમાં વિવિધ ક્ષેત્રો જેમ કે સંરક્ષણ અને વહીવટ, તેમની સ્વાયત્તતા અને અધિકારોનું કાનૂની અને રાજકીય રક્ષણ, ઝડપથી બદલાતા હકારાત્મક સામાજિક વલણો, શૈક્ષણિક ધોરણોમાં સુધારો, આંતરરાષ્ટ્રીય રમતગમતની ઘટનાઓમાં તેમની ભાગીદારી સહિત લગભગ તમામ સરકારી અને બિન-સરકારી ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. સિનેમા, સર્જનાત્મકતા, વ્યવસાય, સંદેશાવ્યવહાર, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા કૌશલ્યો અને મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પણ ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યા, ઘણા વર્ગો એવા છે જ્યાં મહિલાઓને હક્ક અને ભાગીદારી નથી મળતી. વિવિધ સમસ્યાઓ સ્ત્રીઓ ક્યાંકને ક્યાંક ભોગવે છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ દ્વારા અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1350 સ્ત્રીઓ પર સર્વે કર્યો. જેના તારણો નીચે મુજબ મળ્યા.
- *સ્ત્રી તરીકે જાતિગત ભેદભાવ અનુભવો છો?* જેમાં 60% સ્ત્રીઓએ હા જણાવી
- *તમને જાતિય સતામણીનો અનુભવ થયો છે?* જેમાં 35% સ્ત્રીઓએ હા જણાવી
- *સ્ત્રી હોવાથી તમને તમારી પસંદગીનો શૈક્ષણિક પ્રવાહ નથી મળતો?* જેમાં 58.45% સ્ત્રીઓએ હા જણાવી
- *એકલા મુસાફરી કરતા ભય અને અસલામતી અનુભવાય છે?* જેમાં 45% સ્ત્રીઓએ હા જણાવી
- *પરિવારના સભ્યોથી અસલામતી અનુભવાય છે?* જેમાં 38% સ્ત્રીઓએ હા જણાવી
- *ઘરેલું હિંસા (માનસિક, શારીરિક)નો ભોગ બનો છો?* જેમાં 35% સ્ત્રીઓએ હા જણાવી
- *શું તમારે તમારી પહેલા તમારા પરિવારના ગમા અણગમા વિશે વિચાર કરવો પડે છે?* જેમાં 85% સ્ત્રીઓએ હા જણાવી
- *સ્ત્રીઓ જે અધિકાર ભોગવે છે તેના કરતા વધારે સ્વતંત્રતા આપવી જોઈએ?* જેમાં 77.5% સ્ત્રીઓએ હા જણાવી
- *સ્ત્રીઓને દરેક પ્રકારની નોકરીમાં તક આપવી જોઈએ?* જેમાં 100% સ્ત્રીઓએ હા જણાવી
- *સ્ત્રીઓનું કાર્યક્ષેત્ર કુટુંબ સુધી જ મર્યાદિત રહ્યું છે?* જેમાં 45% સ્ત્રીઓએ સહમતી જણાવી
- *ઘરની અશાંતિ માટે લોકો સ્ત્રીને જ કારણ માને છે?* જેમાં 85% સ્ત્રીઓએ હા જણાવી
- *આજે પણ સમાજ માને છે કે સ્ત્રીઓને ખરા અને ખોટાની સમજશક્તિ હોતી નથી?* જેમાં 85% સ્ત્રીઓએ હા જણાવી
- *પરિવારના સભ્યોથી પરેશાન છો?* જેમાં 27% સ્ત્રીઓએ હા જણાવી
- *બાળપણથી લઈ આજ સુધી ખરાબ ઈશારા કે અન્ય કોઈ બાબતનો ભોગ બન્યા છો?* જેમાં 47.5% સ્ત્રીઓએ હા જણાવી
- *અપમાનજનક શબ્દોમાં મહિલાઓનો વધુ ઉપયોગ કરવામાં આવે છે?* જેમાં 82.5% સ્ત્રીઓએ હા જણાવી
- *સ્ત્રી તરીકે તમને કઈ સમસ્યા વધુ અનુભવાય છે?* જેમાં 50%સ્ત્રીઓને સામાજિક, 27.5%ને માનસિક, 12.5%ને શારીરિક અને 10%સ્ત્રીઓને આર્થિક સમસ્યાઓ અનુભવાય છે.
આમ આજે પણ સ્ત્રીઓ વિવિધ સમસ્યાઓ અનુભવે છે જેના વિશે સમાજના દરેક વ્યક્તિએ જાગૃત થવું જરૂરી છે.