અમદાવાદ: રંગીન મિજાજી સુખી સંપન પ્રૌઢ અને વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ ખંખરતી ખાખીની ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પર્દાફાસ કર્યા છે. મહિલા પીઆઇના સીધા માર્ગ દર્શન હેઠળ ચાલતી પોલીસની હનીટ્રેપ ગેંગના સુત્રધાર મહિલા પીઆઇની ધરપકડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં ઝડપાયેલા મહિલા પીઆઇ ગીતા પઠાણે 2013માં રાજકોટના અનેક વેપારીઓને ફસાવી મોટી રકમનો તોડ કર્યાની ઉઠેલી ફરિયાદના પગલે એસીબી સ્ટાફે લાંચના ગુનામાં તેની ધરપકડ કરી હતી.
મુળ સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામના વતની અને મહિલા કોન્સ્ટેબલ તરીકે પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોડાયા બાદ પીએસઆઇની પરિક્ષામાં પાસ થઇ જુદા જુદા પોલીસ મથકો બાદ રાજકોટ મહિલા પોલીસ મથક પીએસઆઇ તરીકે નિમણુંક થતા તેને મહિલા પોલીસ મથકમાં ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ચાર્જ સંભાળી એકાદ વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક વેપારીઓ અને રંગીન મિજાજી નબીરાઓને હનીટ્રેપમાં ફસાવી હાહાકાર મચાવી દીધો હતો.
ગીતાબેન મકવાણાએ પોલીસમેન હયાતખાન પઠાણ સાથે લગ્ન કરી રાજકોટમાં જ સોગંદનામું કરી ગીતા મકવાણામાંથી ગીતાબાનુ પઠાણ બનેલા મહિલા ઇન્ચાર્જ પીઆઇ રાજકોટમાં ફરજ બજાવતા હતા ત્યારે કરિયાવર પરત મેળવવાની અરજી સંદર્ભે સુરેન્દ્રનગરથી ભલામણ કરવા આવેલા રઘુવીરસિંહ નારૂભા રાજકોટ મહિલા પોલીસ મથકે આવ્યા ત્યારે તેમનો વૈભવ ઠાઠ જોઇ મહિલા પીઆઇ ગીતા પઠાણે હનીટ્રેપમાં ફસાવવા તાત્કાલિક પ્લાન બનાવી રઘુવીરસિંહની ભલામણ મુજબ અરજીનો નિકાલ કરી ચા-પાણી પીવડાવી પોતાના ભાઇ હોવાનો ઢોંગ કરી તેમના મોબાઇલ નંબર મેળવી લીધા હતા.
રઘુવીરસિંહને હનીટ્રેપમાં ફસાવવા ગીતા પઠાણે પોતાની બે જાણીતી યુવતીઓને મોબાઇલ નંબર આપી ફસાવવા સુચના આપતા બંને યુવતીઓ રઘુવીરસિંહને અવાર નવાર મોબાઇલમાં વાત કરતી હતી પરંતુ રઘુવીરસિંહ દાદ આપતા ન હોવા છતાં બંને યુવતીઓએ સંપર્ક ચાલુ રાખ્યો હતો. રઘુવીરસિંહ મોબાઇલમાં વાતચીત દરમિયાન પોતે કામ અર્થે અમદાવાદ જતા હોવાનું કહેતા બંને યુવતીઓએ પોતાને પણ અમદાવાદ કામ હોવાથી જવું છે તેમ કહી તેમની કારમાં સાથે અમદાવાદ ગઇ હતી.
અમદાવાદથી પરત આવી બંને યુવતીઓએ ગીતા પઠાણના પ્લાન મુજબ રઘુવીરસિંહ વિરૂધ્ધ અરજી આપી હતી તે અરજી ઇન્ડવર્ડ કર્યા વિના ગીતા પઠાણે પોતાની પાસે તપાસ અર્થે રાખી રઘુવીરસિંહને ફોન કરી તમે આ શું કર્યુ તેમ કહી રાજકોટ બોલાવી સમાધાન માટે રૂા.25 લાખ માગી અરજી ફાઇલ કરી બંને યુવતીઓને પોતે સમજાવી દેશે તેવું કહી ખોટા કેસમાં ફસાવવાનો ડર બતાવ્યો હતો.
આથી રઘુવિરસિંહે રૂા.5 લાખમાં સેટીંગ નક્કી કરી રૂા.3 લાખ આપી દીધા હતા અને બાકીના રૂા.2 લાખ આપવા માટે એસીબીમાં ફરિયાદ કરી ગીતા પઠાણ સંચાલિત હનીટ્રેપ ફસાવતી ગેંગનો પર્દાફાસ કરવા હિમ્મત દાખવી હતી. રાજકોટ એસીબીના પી.આઇ. ઝાલાએ એસીબીનું છટકુ ગોઠવી ગીતા પઠાણ અને તેના ડ્રાઇવરને ઝડપી લીધા હતા ત્યારે પણ તેની ચેમ્બરમાંથી ઇન્ડવર્ડ થયા વિનાની બે અરજી મળી આવી હતી. આ અંગે રાજકોટ શહેર પોલીસે ભીનું સંકેલી લીધું હતુ એટલું જ નહી ઉચ્ચ પોલીસ અધિકારીઓના આર્શિવાદ હોવાથી લાંબા સમય સુધી એસીબીને ચાર્જશીટ માટે જરૂરી મંજુરી આપી ન હોવાથી બે વર્ષ બાદ તે ફરી નોકરી પર આવી ગયા હતા અને પીઆઇનું પ્રમોશન પણ મળી ગયું હતું.અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ, રિવરફન્ટ પોલીસ મથકમાં નિમુણંક બાદ મહિલા પોલીસ મથકમાં હાજર થયા હતા.
અમદાવાદ મહિલા પોલીસ મથકમાં પી.આઇ. તરીકે હાજર થયેલા ગીતા પઠાણે રાજકોટની જેમ પ્રૌઢ અને વેપારીઓને ફસાવવાની ગેંગ ફરી બનાવી લીધી હતી. મહિલા પોલીસ મથકના ભ્રષ્ટ પોલીસ સ્ટાફ સાથે મળી બનાવેલી હનીટ્રેપમાં ફસાવતી ગેંગે છેલ્લા એકાદ વર્ષમાં હાહાકાર મચાવી દીધો હતો. ગીતા પઠાણની ગેંગ દ્વારા એક રાજકીય અને વગદાર વ્યક્તિને ફસાવતા તેમણે હિમ્મત દાખવી ગીતા પઠાણના કારસ્તાનનો ભાંડો ફોડવા ઉચ્ચ પોલીસ અધિકારીને અરજી આપી હતી. આ અરજીની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા વિભાગને સોપવામાં આવી હતી.
ગીતા પઠાણની ગેંગમાં સંડોવાયેલા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી, બિપીવ શના પરમાર, ઉન્નતિ ઉર્ફે રાધિકા રાકેશ રાજપૂત અને જાનવી ઉર્ફે જીનલ આનંદસીંગ પઢીયારની ધરપકડ કરી કરાયેલી કડક પૂછપરછમાં તેઓ મહિલા પી.આઇ. ગીતા પઠાણના ઇશારે હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ ખંખેરતા હોવાનું તેમજ મળેલી રકમમાંથી ગીતા પઠાણને અડધી રકમ આપતા હોવાની કબુલાત આપતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરી તેની પાસેથી રૂા.26 લાખ રોકડા કબ્જે કર્યા હતા. તેની પાસેથી આ પ્રકારની ચાર અરજી મળી આવતા આ અંગે તપાસ હાથધરી છે.
ગીતા પઠાણે હનીટ્રેપ ગેંગ બનાવી મોટી રકમના તોડ કર્યા!
મહિલા પી.આઇ. ગીતા પઠાણ મહિલા પોલીસ મથકમાં જ નોકરી કરવાનું પસંદ કરતા હોવાનું અને ભ્રષ્ટ પોલીસ સ્ટાફ સાથે મળી હનીટ્રેપમાં ફસાવવાનું કારસ્તાન ચલાતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગીતા પઠાણે પોતાની ગેંગમાં બે મહિલાને સામેલ કરી ધનાઢય પરિવારના પ્રૌઢને ફસાવી તેના વિરૂધ્ધ મહિલા પોલીસમાં અરજી આપે ત્યારે અરજી ઇન્વર્ડ કર્યા વિના જ તપાસ કરી ગીતા પઠાણ સમાધાનના બહાને મોટી રકમનો તોડ કરતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ખાખી સંચાલિત હનીટ્રેપ ગેંગનો ખાખી દ્વારા જ પર્દાફાસ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.