કડિયા કામે જતી વેળાએ પતિની નજર સામે પત્નીને કાળ ભેટ્યો: પરિવારમાં આક્રંદ
શહેરના ગુલાબનગર વિસ્તારમાં સાઈબાબા સર્કલ પાસે આઈસરે ત્રણ સવારી બાઈકને ઠોકર મારતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કડિયા કામ પર જઈ રહેલા દંપતી સહિત ત્રણ સવારી બાઈકને ઠોકર મારતાં દંપતી ખંડિત થયું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રણુજા મંદિર પાસે મફતિયાપરામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના સુનીબેન ધનસિંગભાઈ ભાંભોર (ઉ.વ.30) તેમના પતિ ધનસિંગભાઈ સૂમલાભાઈ ભાંભોર તથા દિલીપ કનિયાભાઈ મૂવેલ (ઉ.વ.21) આ ત્રણેય બાઈક પર રણુજા મંદિરથી ગુલાબનગર કડિયા કામ કરવા માટે જઈ રહ્યા હતા.
તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી આવેલા આઇસરના ચાલકે બાઈકને અડફેટે લેતાં ત્રણેય ફંગોળાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુમીબેન ભાંભોરનું પતિની નજર સામે જ કમકાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ ધનસિંગભાઈ અને બાઈક ચાલક દિલીપ મુવેલને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી આઈસર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી. મહિલાના મોતથી પાચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.