શાપરમાં યુવકને કોષ ઝીકી: લક્ષ્મીનગરમાં યુવાનને બે શખ્સોએ લમધાર્યો
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા ગુલાબનગરમાં ખાણીપીણીના ધંધાર્થી વચ્ચે મારામારી થઈ હતી જેમાં મહિલા પર લાકડી વડે હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બનાવોમાં શાપરમાં યુવાન પર કોષ વડે હુમલો થયો હતો અને લક્ષ્મીનગરમાં રહેતા યુવાન પર બે શખ્સોએ હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલા ગુલાબનગરમાં રહેતા ફાતેમાબેન હબીબભાઈ માજોઠી નામના 65 વર્ષના વૃદ્ધા રાત્રિના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે કિશન સહિતના શખ્સોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા ફાતેમાબેન માજોઠીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ફાતેમાબેન ચાઈનીઝ પંજાબીની લારી ચલાવે છે અને તેમની બાજુમાં હુમલાખોર કિશન વડાપાવની લારી ચલાવે છે. જે ચાઈનીઝ પંજાબીની લારી ઉઠાવી લેવા જેવી બાબતે હરીફ ધંધાર્થીએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપર વેરાવળમાં રહેતા શનિ નાગજીભાઈ મકવાણા નામના 35 વર્ષના યુવકને રાજુ અને અજય સહિતના શખ્સોએ કોષ વડે માર માર્યો હતો. જ્યારે નાનામવા રોડ ઉપર આવેલા લક્ષ્મીનગરમાં રહેતા ચંદ્રેશ ચેતનભાઇ ચૌહાણ (ઉ.વ.23) સાથે રહીમ અને શૈલેષ સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.