ઘરમાં ઘુસીને મહિલા પર લાકડી વડે તૂટી પડ્યા: પુત્રી વચ્ચે પડતા તેને પણ માર માર્યો
મેટોડામાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી રૂ.20 હજારની છેતરપિંડી કરવાના પ્રકરણમાં સમાધાન બાદ કાર અને સ્કૂટરમાં ધસી આવેલા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસી માર માર્યો હોવાના આક્ષેપ સાથે મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડામાં રહેતા પ્રવિણાબેન ભરતભાઈ પરમાર નામના 42 વર્ષના મહિલા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના અગીયારેક વાગ્યાના અરસામાં મનુ અને આર્યન સહિતના શખ્સોએ પ્રવિણાબેન પરમાર સાથે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા પ્રવિણાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે લોધિકા પોલીસને જાણ કરતા લોધીકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રવિણાબેન પરમારના પુત્રી મનાલીબેન પરમારે જણાવ્યું હતું કે હુમલાખોર મનુના ભાણેજ રવિ ચાંદપાએ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી રૂ.20 હજારની છેતરપિંડી કરી હતી. જે અંગે સમાધાન થઈ ગયું હતું. તે રૂપિયાની ઉઘરાણી કરતા રવિ ચાંડપાના મામા મનુભાઈ તેનો જમાઈ આર્યન અને તેની પત્ની હીરૂબેન સહિતના શખ્સો કાર અને સ્કૂટરમાં ધસી આવ્યા હતા અને ઘરમાં ઘુસી માતા પુત્રી ઉપર નિર્લજ્જ હુમલો કર્યો હતો. એટલું જ નહિ પરંતુ બચાવવા વચ્ચે પડેલા પાડોશીઓને પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.