દેશી દારૂની જેમ નશીલા પદાર્થની હેરાફેરીમાં મહિલાઓની વધતી સંડોવણી: એક વર્ષમાં ૨૧ માદક પદાર્થનું વેચાણ કરતા ઝડપાયા
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગાંજો, ચરસ અને અફિણ જેવા માદક પદાર્થના ધંધાર્થીઓ પર પોલીસે ધોસ બોલાવી એક વર્ષમાં જ ૧૬ જેટલા કેસ કરી ૨૧ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. જંગલેશ્ર્વરની મહિલા ગાંજાના વેચાણના ગુનામાં જેલમાં હોવાથી તેને જામીન પર છોડાવવાના ખર્ચને પહોચી વળવા માટે કોઠારિયા રોડ પરના વિવેકાનંદની મહિલાએ ગાંજાનું વેચાણ શરૂ કર્યાની બાતમીના આધારે પોલીસે નિલકંઠ સિનેમા પાસેથી ૬૨ કિલો ગાંજા સાથે મહિલાને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા પાસે વિવેકાનંદ સોસાયટીમાં શક્તિ હોટલવાળી બંધ શેરીમાં રહેતી મેહમુદાબેન ઉર્ફે લલુડી હુસેન મામદ કઇડ નામની મહિલા નસીલા પદાર્થનું વેચાણ કરતી હોવાનું અને ગતરાતે નિલકંઠ સિનેમા પાસે ડીલીવરી કરવા આવ્યાની બાતમીના આધારે ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. બી.બી.કોડીયાતર, પી.બી.જેબલીયા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે નિલકંઠ સિનેમા પાસે વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમિયાન મહેમુદાબેન ઉર્ફે લાલુડી રૂ.૧૦,૪૩૦ની કિંમતના ૬૨ કિલો ગાંજા સાથે મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તાજેતરમાં જ જંગલેશ્ર્વરમાંથી ૩૭૦ કિલો ગાંજા સાથે ઝડપાયેલી અમીના સુણા અને તેની પુત્રી મદીના જેલ હવાલે થતા માતા અમીના, બહેન મદીના, ભાણેજ અફસાના અને બનેવી ઉસ્માન જેલમાં હોવાથી તેને જામીન પર છોડાવવા અને વકીલની ફીના ખર્ચને પહોચી વળવા માટે ગાંજાનું વેચાણ શરૂ કર્યાની કબુલાત આપી છે.
ગાંજાનો જથ્થો કયાંથી લાવી અને કોને આપવા આવી હતી તે અંગેની પૂછપરછ કરતા આંધ્ર પ્રદેશનો અજાણ્યો શખ્સ ટ્રેનમાં ગાંજો સુરત સુધી પહોચતો કર્યા બાદ સુરતના અશ્ર્વીનીકુમાર વિસ્તારનો ભૈયો ગાંજાનો જથ્થો રાજકોટ પહોચતો કરતો હોવાની કબુલાત આપી છે.
મહેમુદા ઉર્ફે લલુડીની વિશેષ પૂછપરછ માટે અને માદક પદાર્થના મુળ સુધી પહોચવા માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
નશીલા પદાર્થના ગુનામાં ઝડપાયેલા માતા-પુત્રના જામીન નામંજૂર
જંગલેશ્ર્વરમાંથી રૂ.૨૨.૩૨ લાખના અલ્ફ્રા ઝોલમ નામના કેફી પદાર્થના જથ્થા સાથે ઝડપાયા ‘તા
શહેરનાં કોઠારીયા રોડ પર દેવપરા ચોકીથી જંગલેશ્ર્વર માર્ગ પર નશીલા પદાર્થના ગુનામાં જેલ હવાલે રહેલા માતા પુત્રની જામીન અરજી અદાલતે ફગાવી નામંજૂર કરતો હુકમ કર્યો છે. વધુમાં શહેરનાં જંગલેશ્ર્વર શેરી નં.૨૮માં રહેતી જુબેદાબેન ઈબ્રાહીમ બેલીમ અને તેનો પુત્ર રફીક ઈબ્રાહીમ બેલીમ સહિત બંને માતા પુત્ર દેવપરા ચોકી નજીક રૂ.૨૨.૩૨ લાખની કિંમતના અલ્ફ્રા ઝોલમ નામના માદક પદાર્થ સાથે પકડી પાડયા હતા.
પોલીસ તપાસ પૂર્ણ થતા માતા પુત્રને જેલ હવાલે કર્યા હતા. હાલ જેલ હવાલે રહેલા બંનેએ જામીન પર છૂટવા અરજી કરી હતી જેમાં બંને પક્ષોની રજૂઆતને અંતે સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલમાં એન.ડી.પી.એસ.ની વ્યાખ્યામાં આવતો હોય ગંભીર પ્રકારનો ગુનો તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચૂકાદા ટાંકેલા જે દલીલ ધ્યાને લઈ અધિક સેશન્સ જજ આર.એલ. ઠકકરે માતા પુત્રની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે મુકેશભાઈ પીપળીયા ઉપસ્થિત રહ્યા હતા.