ઠંડીમાં વૃદ્ધો, બાળકો અને સુકી ચામડીવાળી વ્યકિતઓનું વિશેષ ધ્યાન રાખવું: લીંબુ, હળવદ, દૂધ, મધ, એલોવીરા, કોપરેલ, શિયાળામાં ફાયદાકારક: વધુ પડતા ગરમ પાણીથી ન્હાવાનો આગ્રહ ન રાખવો
શિયાળાનું આગમન થઈ ગયું છે અને ઠંડીએ પણ ધીમે ધીમે પોતાનું જોર પકડી લીધું છે. જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે તેમ-તેમ ઠંડી વધવા લાગી છે. શિયાળાની સીઝનમાં સ્વાસ્થ્યનું ખુબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. તેમાય ખાસ કરીને ચામડીની સંભાળમાં વધુ કાળજી રાખવી પડતી હોય છે ત્યારે શિયાળામાં કઈ રીતે ચામડીની સંભાળ લેવી તે અંગે વોકહાર્ટ હોસ્પિટલમાં ચામડીના રોગના નિષ્ણાંત ડો.ભુપેન્દ્ર કામદારે સ્ક્રિન કેર માટે કેટલીક ટીપ્સ આપી છે.
માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં ચામડીની સંભાળની ચર્ચા કરતા પહેલા આપણી ચામડી વિશે થોડુ જાણવુ જ‚રી છે. ચામડી શરીરનું સૌથી મોટુ અંગ છે. શરીરના સર્વે અવયવોને ઢાંકવા ઉપરાંત ચામડી આપણા શરીરને સૌદર્ય બક્ષે છે. વાતાવરણનું તાપમાન ૫ ડિગ્રી સે. હોય કે ૪૫ ડિગ્રી સે.ચામડી નિયમિત અંદરનું તાપમાન ૩૭ ડિગ્રીએ જાળવી રાખે છે. દરેક ઋતુ પ્રમાણે ચામડી પોતાની જાતને એડજસ્ટ કરે છે. બેકટેરીયાને અંદર દાખલ થવા દેતી નથી. ડો.કામદારે વિશેષમાં જણાવેલ હતું કે ચામડી ઉપર કોઈપણ જાતનો પ્રયોગ કરતા પહેલા ચામડીના પ્રકારને ઓળખી લો. સામાન્ય રીતે ચામડીના ત્રણ પ્રકાર છે. તેલી, મધ્યમ અને સૂકી. એવી જ રીતે બાળકોની, યુવાનોની અને વૃદ્ધોની ચામડી પણ જુદા જુદા પ્રકારની હોય છે. સ્ત્રી અને પુરુષની ચામડી પણ જુદા પ્રકારની હોય છે. ત્રણે ઋતુઓમાં પણ ચામડી જુદી જુદી રીતે રીએકટ કરતી હોય છે. જીનેટીકલ પણ ચામડીનો પ્રકાર વારસામાં મળતો હોય છે.
શિયાળાની ઋતુમાં વૃદ્ધો, સુકી ચામડીવાળી વ્યકિતઓ તથા બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે. સાધારણ રીતે શિયાળામાં દરેક વ્યકિત આટલું કરે તો શિયાળો સુખેથી પસાર થઈ જાયે. ચામડીના રોગોથી બચવા તેનો અમલ કરવો હિતાવહ છે. ફકત શરીરના ખુલ્લા ભાગ માટે લીંબુ, હળવદ, દુધની ક્રીમ શરીરના ખુલ્લા ભાગ ઉપર લગાડી, ૧૦ મીનીટ પછી નવશેકા પાણીથી નાહી લેવું, આજ મિશ્રણ હાથે, પગે લગાડી, હાથ અને પગના મોજા પહેરી લેવાથી વાઢીયા ‚જાય છે.
પપૈયુ, કેળુ મસળી મધ સાથે ભેળવી નહાતા પહેલા થોડીવાર લગાડવાથી ચામડી સુંવાળી રહે છે અને કરચલીઓ દૂર થાય છે. નહાતા પહેલા દુધ અને બદામનો ભુકકો લગાવવાથી ચામડી મુલાયમ રહે છે. ઓઈલી સ્કીનવાળાને લીંબુ, દુધ તથા મધ અથવા સ્ટ્રોબેરી અથવા દહીં અને છાસ ભેગા કરી નહાતા પહેલા લગાડવાથી ચામડી સારી રહે છે. તેમજ સંપૂર્ણ શરીર માટે રાત્રે કોપરેલ, ઓલીવ ઓઈલ, સુર્યમુખીનું તેલ કે એરંડીયાનું માલીસ કરી સવારે સાબુ વિના ફકત નવશેકા પાણીથી નાહી લેવાથી ચામડી સુવાળી અને મુલાયમ રહે છે. એલોવેરા, બદામનું તેલ, ચીઝ, કાકડી તથા લીંબુનું માલીસ કરી અર્ધી કલાક પછી નવસેકા પાણીથી નહાવું. ગરમ કપડા પહેરતા પહેલા અંદર સુતરાઉ કપડા પહેરવા. વધારે પડતા ગરમ પાણીથી નહાવું નહીં. વધુ વિગત માટે ૦૨૮૧-૬૬૯૪૨૪૪ ઉપર સંપર્ક કરવો.