ગોધરા કાંડ બાદના 2002ના રમખાણોના ફરિયાદીઓ/સાક્ષીઓ માટે સુપ્રીમ કોર્ટ દબારા નિયુક્ત એસઆઈટી દ્વારા સાક્ષી સુરક્ષા સેલની રચના કર્યાના પંદર વર્ષ પછી ગુજરાત સરકારે સાક્ષીઓ, તેમના વકીલો અને એક નિવૃત્ત ન્યાયાધીશની સુરક્ષા પરત ખેંચી લીધી છે.
એસઆઈટીએ તમામ નવ કેસોમાં સુપ્રીમની ભલામણના આધારે સ્પેશિયલ સેલની રચના કરી હતી જેને તે હેન્ડલ કરી રહી હતી. જેમાં ગોધરા ટ્રેન હત્યાકાંડ અને નરોડા પાટિયા, નરોડા ગામ, ગુલબર્ગ સોસાયટી, દીપડા દરવાજા, સરદારપુર અને ઓડ ખાતે હત્યાકાંડનો સમાવેશ થાય છે.
એસઆઈટી વડાની ભલામણ બાદ રાજ્ય સરકારે સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય લીધો
પોલીસ રક્ષણ ગુમાવનારાઓમાં ભૂતપૂર્વ મુખ્ય સિટી સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિકનો પણ સમાવેશ થાય છે, જેમણે 97 લોકોના હત્યાકાંડ સાથે સંકળાયેલા નરોડા પાટિયા કેસમાં 32 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તેણીને કથિત રીતે 18 વખત ધમકીઓ મળ્યા બાદ તેણીને બે સ્તરોની સુરક્ષા સોંપવામાં આવી હતી.એડવોકેટ એમએમ તિર્મિઝી અને એસએમ વોરાને પણ સાક્ષીઓ સાથે પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઈમ્તિયાઝખાન પઠાણે કહ્યું, જો અમને કંઈ થશે તો કોણ જવાબદાર હશે? કોર્ટ, એસઆઈટી કે પોલીસ? જો પોલીસ સુરક્ષા દૂર કરવામાં આવે તો અમારી સુરક્ષા માટે અમને શસ્ત્ર લાયસન્સ આપવામાં આવે. પઠાણે કહ્યું કે જ્યારે મોટાભાગના કેસ કોર્ટમાં પેન્ડિંગ હતા અને મોટા ભાગના આરોપીઓ જામીન પર બહાર હતા ત્યારે પોલીસ રક્ષણ પાછું લેવું એસઆઈટીનો નિર્ણય અયોગ્ય છે.
દીપડા દરવાજા કેસના સાક્ષી ઈકબાલ બલોચે પોલીસ સ્ટેશનોને તેમના અને અન્ય લોકો પર નજર રાખવાની સૂચના આપવામાં આવી રહી હોવાની વાતને અર્થહીન ગણાવી છે. સાક્ષીઓનું પોલીસ રક્ષણ રદ કરવાનો નિર્ણય 13 ડિસેમ્બરે આવ્યો હતો, જે તેમને આશ્ચર્યચકિત કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે સાક્ષીઓ, વકીલો અને ન્યાયાધીશની સુરક્ષા માટે તૈનાત તમામ કર્મચારીઓને એસઆઈટી વડા બીસી સોલંકીની ભલામણ પર પાછા ખેંચી લીધા હતા.
ત્યારબાદ અમદાવાદ પોલીસે સાક્ષીઓ, ફરિયાદીઓ અને વકીલોની વિગતો માંગી છે જેમનું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સોલંકીએ જણાવ્યું હતું કે સાક્ષી સુરક્ષા કાર્યક્રમ હેઠળ કેટલા લોકોને પોલીસ રક્ષકો સોંપવામાં આવ્યા છે તેની તેમને બરાબર જાણ નથી.