સ્વામીબીએપીએસ સ્વામીનારાયણ મંદિરે યોજાયો વિરાટ પ્રેરણા સમારોહ: ૪૦૦૦ હરિભક્તો જોડાયા
વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા મોરબી રોડ સેટેલાઈટ ચોક ખાતે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા વિરાટ પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સમારોહમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સુખનું સાચું સરનામું વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો જેમાં ૪૦૦૦થી અધિક ભક્તો-ભાવિકોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સમારોહમાં પધારનાર સૌ ભક્તો-ભાવિકોએ ભગવાન સ્વામિનારાયણના યુવાન સ્વરૂપ નીલકંઠવર્ણીના અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર હિતેશદાન ગઢવી અને તેના સાથી કલાકારોએ ભક્તિસંગીતથી સમારોહની શરૂઆત કરી. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત સૌ ભક્તો-ભાવિકોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સાચું સુખ ત્રણ વાતમાં છે: સ્વધર્મનિષ્ઠા, સંઘનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા. સાચું સુખ એ સંયમ, સંતોષ, સંપ, સહનશક્તિ, ક્ષમા, સમજણ અને સેવામાં છે. નિર્વ્યસની સમાજ એ સુખી સમાજ તરફનો રસ્તો છે.
આ સમારોહનો લાભ લેવા માટે અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ભોજલરામ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ પીપળીયા, કોર્પોરેટર ઠાકરશીભાઈ ગજેરા, પરેશભાઈ પીપળીયા અને અનિલભાઈ જાદવ, અર્પિત સ્કુલના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ સીનોજીયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણી અને કિશોરભાઈ દોંગા, મધુવન સ્કુલના સંચાલક મહેશભાઈ ડોલર, સોમનાથ વોટર પ્લાન્ટના માલિક યતિનભાઈ પટેલ સાથે અગ્રણી બિલ્ડર્સ સી ટી કોટડીયા, રસિકભાઈ પરસાણા, દિનેશભાઈ સાવલિયા, પ્રફુલભાઈ ત્રાપસીયા સહીત અન્ય શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહી પ્રવચનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના સુખનું સાચું સરનામુંવિષય પરઉદ્દબોધનના મુખ્ય અંશો: ખાણી, પીણી, વાણીમાં સુધારો નહી કરો તો જીવન બગડશે જ,શરીરના ડાઘ બહુ નડશે નહી પરંતુ ચારિત્ર્યના ડાઘ નડશે, મોટી નદીઓ પર બંધ બાંધવા સહેલા છે પરંતુ જીભ પર શબ્દોના બંધ બાંધવા અઘરા છે, મંગળ પર પાણી ચેક કરી શકીએ છીએ પરંતુ કુટુંબીજનોના આંખમાં પાણી શેના છે તે ચેક કરતા નથી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા, બેઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનોસુકો રોટલો ખાવો સારો, એકને એક વાતથી સુખી નથી થતા, તો એકને એક વાતથી દુ:ખી શા માટે થઈએ ?, ભૌતિકશૈલી બદલવાથી નહિ, સમજશક્તિ બદલવાથી સુખી થવાય, સુખનું સરનામું નિર્વ્યસની જીવનમાં છે, ધર્મવાન સુખી થઇ શકે. એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ધર્મના બંધન એ બંધન નથી પરંતુ મુક્તિના સાધન છે. વગેરે જેવા હતા.