ફરિયાદ મળતા મહાપાલિકા તંત્રએ તાબડતોબ આયોજકોને રેસકોર્સનાં દરવાજા ખોલવા આદેશ કર્યો

રેસકોર્સ મેદાન ખાતે આગામી ૧૫મીથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શ્રીમદ ભાગવત ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વિશાળ આયોજન માટે હાલ રેસકોર્સ મેદાનમાં મંડપ નાખવાની કામગીરી ચાલુ રહી છે. આયોજકોએ કોર્પોરેશનની મંજુરી લીધા વિના જ રેસકોર્સ મેદાનનાં પ્રવેશદ્વાર સમા પાંચેય દરવાજા પર ગઈકાલે અલીગઢી તાળા ઝીંકી દીધા હતા અને ૨૧મી સુધી ગેઈટ બંધ રહેશે તેવા બોર્ડ લગાવી દેતા લોકો આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. આ અંગે ફરિયાદ મળતા એસ્ટેટ શાખા દ્વારા તાબડતોબ આયોજકોને રેસકોર્સ મેદાનનાં તમામ દરવાજા ખોલવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શ્રીદાસીજીવન સત્સંગ મંડળ અને શ્રી રાજકોટ વૈષ્ણવ સંઘ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે ૧૫ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં માટે સંચાલકો દ્વારા ૧૦ થી ૩૦ ડિસેમ્બર સુધી રેસકોર્સ સંકુલ ભાડે રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે રેસકોર્સ મેદાન ભાડે રાખવામાં આવે ત્યારે સંચાલકો દરવાજા પર તાળા મારતા હોતા નથી. દરમિયાન ગઈકાલ જ્ઞાનયજ્ઞનાં આયોજકોએ કોર્પોરેશનની કોઈપણ જાતની પૂર્વ મંજુરી લીધા વિના તમામ પાંચેય દરવાજા પર તાળા ઝીંકી દીધા હતા અને દરવાજા પર એવા બોર્ડ મારી દીધા હતા કે ૨૧મી સુધી રેસકોર્સનાં તમામ દરવાજા બંધ રહેશે. અંદરનાં દરવાજા પણ બંધ હોવાનાં કારણે કોઈએ પ્રવેશ કરવો નહીં. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવતા આજે બપોરે એસ્ટેટ શાખાએ તાબડતોબ આયોજકોને તમામ તાળા ખોલવા સુચના આપી હતી. હાલ મેદાનમાં જ્ઞાનયજ્ઞ મહોત્સવ માટે મંડપ ફિટ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. કિંમતી વસ્તુ ચોરાઈ જતી હોવાનાં કારણે સલામતીનાં ભાગ‚પે તાળા માર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.