ગુજરાત સંગીત નાટક અકાદમીના ઉપક્રમે આણંદની એન.એસ.પટેલ આર્ટસ કોલેજમાં યોજાયો લોકસાગરનાં મોતી કાર્યક્રમ: સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડયા અને સાથી કલાકારો છવાયા
લોકસંગીતના માધ્યમથી ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમી યુવાધનમાં સંસ્કાર સિંચનનું ભગીરથ કાર્ય કરે છે: પ્રિન્સિપાલ ડો.મોહનભાઈ પટેલ
લોકસંગીત ન હોત તો શાસ્ત્રીય સંગીત પણ ન હોત ! લોકસંગીતમાંથી જ શાસ્ત્રીય સંગીતનો ઉદભવ થયો છે એવાં લોકસંગીતને ગૌરવાન્વિત કરતાં વિધાનો શાસ્ત્રીય સંગીતનાં જ્ઞાતા, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર આઈ.જી.પટેલનાં પત્ની,સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડો.અલકનંદા પટેલે ઉચ્ચાર્યો,તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના ઉપક્રમે આણંદની પ્રસિદ્ધ એન.એસ.પટેલ આર્ટસ કોલેજમાં યોજાયેલા લોકસંગીતના કાર્યક્રમ લોકસાગરનાં મોતી’ ના ઉદઘાટન અવસરે ઉદબોધન કરી રહ્યાં હતાં.
સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને સાથી કલાકારો દ્વારા ચંચળબા હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડો.અલકનંદાબેને જણાવ્યું કે ગુજરાતી લોકસંગીતમાં હવે નવાં નવાં વાદ્યો ઉમેરાતાં જાય છે.આપણા પ્રાંતનું સંગીત ખૂબ જ પ્રચાર-પ્રસાર પામી રહ્યું છે તેને ગુજરાત સરકારનું પણ ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે.ખાસ તો યુવાધન સમક્ષ લોકસંગીત પ્રસ્તુત કરવાનો નીલેશ પંડ્યાનો પ્રયોગ શિક્ષિત વર્ગમાં સ્વીકાર્ય બન્યો છે.આ કાર્યક્રમમાં પોતાની હાજરી વિષે કહ્યું કે હું જાણે મારા માહોલમાં આવી છું !
આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો.મોહનભાઈ પટેલે પ્રેરક સંબોધનમાં ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમીના સૂત્રધારોને બિરદાવતાં કહ્યું કે કોલેજો-યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે લોકસંગીતના કાર્યક્રમો ફાળવવા એ લોકસંગીત દ્વારા યુવાધનમાં સંસ્કારસિંચનનું ભગીરથ કાર્ય ગણાય.વાઈસ પ્રિન્સિપાલ ડો.પ્રતીક્ષાબેન પટેલે ટ્રસ્ટ અને કોલેજની પ્રવૃત્તિઓથી સૌને અવગત કરાવ્યા.અતિથિ તરીકે ડો.રોહિત શુક્લ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.તુષાર હાથી,પ્રો.એ.એ.શેખ,ડો.રામ વારોતરિયા ઉપસ્થિત રહ્યા હતા.
નીલેશ પંડ્યા અને મિત્તલબેન પટેલે લોકગીતો, ભજનો, દુહા-છંદ,લગ્નગીતો,ધોળ વગેરેની છણાવટ સાથે પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની સાથે વાદ્યસંગત મગનભાઈ વાળા,ડો.હરેશ વ્યાસ,રવિ યાદવ,ભાવેશ મિસ્ત્રીએ કરી હતી. આ પ્રસંગે અનુસ્નાતક ગુજરાતી લોક અને દેશજ વિદ્યાકીય શાખાના પ્રો.નીલેશ મકવાણાએ તેમનાં વિભાગનો પરિચય કરાવ્યો હતો તો પ્રો.બિપીન બારૈયા, પ્રો.સંજના પરમારે કાર્યક્રમનું વ્યવસ્થાપન કર્યું હતું. પ્રારંભિક કાર્યક્રમનું સ-રસ સંચાલન પ્રો. હની જાનીએ કર્યું તો શ્લોકગાન ભાવના પઢિયારે કર્યું હતું.