આધાર કાર્ડ ન હોવું અથવા તેમાં ખામીના લીધે ગામડાના લાભાર્થીઓનું રાશન, વિધવાનું પેન્શન, સબસીડી વિગેરે પાયાની સહાય અટકાવી દેવામાં આવે છે !!!
આધાર વિના નિરાધાર ગરીબોને તેમના રાશન કાર્ડ પર મળતું અનાજ વિધવાનું પેન્શન કે અન્ય જીવનજરુરી સહાય અટકાવવી ન જોઇએ તેમ સુપ્રીમ કોર્ટે એક પિટિશનની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું.
વરીષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં આધારના આધાર વિનાના નિરાધાર ગરીબોને થતી હાલાકી દુર કરવા અથવા આધાર કાર્ડ મામલે સરકારે લીધેલા કડક નિર્ણયો પર સ્ટે મુકવાની માગ કરતી એક પિટિશન દાખલ કરી હતી. તેના પર જસ્ટિશે, એ.કે. સિકરી, અને ડી.વાય. ચંદ્રચૂડની એક સંયુકત બેંચે સુનાવણી કરી હતી.
સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશનમાં જણાવ્યું હતું કે દૂરદરાશના વિસ્તારો, અંતરીયાળ વિસ્તારો અને છેવાડાના ગામડાઓમાં સાતેય દિવસ અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ હોતી નથી. ઇન્ટરનેટ સુવિધા હોતી નથી. આધાર કાર્ડ માટેની મશીનરી ઘણી વાર હોતી નથી આવી પરિસ્થિતિમાં લોકો પાસે આધાર કાર્ડ ન હોવું, તેની કોપી ન હોવી, કાર્ડ ખોવાઇ જવું અથવા તેની વિગતોમાં ખામી હોવી વિગેરે મામલે લાભાર્થીઓનું રાશન, વિધવાનું પેન્શન, સબસીડી વિગેરે પાયાની સહાય કોઇપણ પ્રકારના વિચાર વિના અટકાવી દેવામાં આવે છે. ગામડાના ઓછું ભણેલા અથવા સાવ ન ભણેલા (અંગુઠાછાપ) લોકો આવી પરિસ્થિતિમા: જાય તો કયાં જાય ?