મેયર તરીકે નિમણૂક થયાના કલાકમાં જ પ્રદિપ ડવે ખાસ બોર્ડ માટે આપી સુચના: 15 ખાસ સમીતીઓના સભ્યોની નિમણૂંક અને ઓફિસર્સ સિલેકશન કમીટીના 5 સભ્યોની કરાશે નિયુક્તિ
રાજકોટ મહાનગર પાલિકાના 21માં મેયર તરીકે સત્તાવાર નિમણૂક થયાના દોઢ કલાકમાં જ નવનિયુક્ત પ્રથમ નાગરિક ડો.પ્રદિપ ડવે અલગ અલગ 15 સમીતીઓમાં સભ્યોની રચના કરવા અને ઓફિસર્સ સિલેકશન સમીતીનીમાં સભ્યોની નિમણૂક કરવા માટે આગામી 16મી માર્ચના રોજ સવારે 11 કલાકે ખાસ બોર્ડ બોલાવવાની જાહેરાત કરી દીધી છે અને આ માટે સેક્રેટરી શાખા દ્વારા આજે વિધિવત એજન્ડા પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યો છે.
મહાપાલિકામાં આજે મળેલી બોર્ડ બેઠકમાં મેયર, ડે.મેયરની વરણી અને સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. મેયર તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યાના દોઢ કલાકમાં જ ડો.પ્રદિપ ડવ કાર્યરત થઈ ગયા છે. આગામી મંગળવારે સવારે 11 કલાકે કોર્પોરેશનમાં ખાસ બોર્ડ બોલાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બાંધકામ સમીતી, સેનીટેશન સમીતી, સમાજ કલ્યાણ સમીતી, આરોગ્ય સમીતી, લાઈટીંગ સમીતી, વોટર વર્કસ સમીતી, કાયદો અને નિયમોની સમીતી, માર્કેટ સમીતી, પ્લાનીંગ સમીતી, હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ સમીતી, ડ્રેનેજ સમીતી, બાગ બગીચા અને ઝુ સમીતી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલીત યોજનાઓ અને અગ્નિશામક દળ સમીતી, માધ્યમીક શિક્ષણ અને આનુસાંગીક શિક્ષણ સમીતી તથા એસ્ટેટ મેનેજમેન્ટ સમીતીમાં પાંચ-પાંચ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. સમીતીના પાંચ સભ્યો પૈકી જેનું નામ પ્રથમ હશે તે ચેરમેન બનશે. આ ઉપરાંત મંગળવારે મળનારી ખાસ બોર્ડ બેઠકમાં ઓફિસર્સ સિલેકશન સમીતીની પણ રચના કરવામાં આવશે. આ સમીતીમાં હોદ્દાની રૂએ મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને વિરોધ પક્ષના નેતા જે કોઈ બને તેને હોદ્દાની રૂએ કમીટીમાં સમાવેશ કરવામાં આવશે. આ કમીટીની કામગીરી મહાપાલિકામાં ક્લાસ-1 અધિકારીની નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા આવતી હોય છે.
આગામી મંગળવારે ખાસ બોર્ડ બેઠકમાં 15 ખાસ સમીતી અને ઓફિસર્સ સિલેકશનની કમીટી મળ્યા બાદ નવનિયુક્ત પદાધિકારીઓ શહેરના મુખ્ય પ્રશ્ર્નો અંગે વાકેફ થવા માટે બેઠકોનો દૌર શરૂ કરી દેશે. દરમિયાન મ્યુનિ. કમિશનર દ્વારા આવતા સપ્તાહે સ્ટેન્ડિંગ કમીટી ડ્રાફટ બજેટ રજૂ કરશે જેનો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવશે અને આ બજેટ આખરી મંજૂરી માટે બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. ટૂંકમાં ચાલુ મહિનામાં હજુ 2 થી 3 વાર બોર્ડ બેઠક મળે તેવી સંભાવના જણાય રહી છે.