રાજકોટના સાંસદ દંપતીની વડાપ્રધાન, નાણામંત્રીને રજૂઆત
દેશમાં પેટ્રોલ-ડિઝલ ઊપર વિશ્ર્વમાં સૌથી વધુ ટેકસ છે અને તમાકુ ઉત્પાદનો પર સૌથી ઓછો ટેકસ છે ત્યારે સરકાર પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચે ને તમાકુ ઉત્પાદનો પર કોવિદ સેસ નામે તો સરકારની તિજોરી ભરી શકાય છે.તેમ માજી સાંસદ દંપતિએ વડાપ્રધાન નાણામંત્રીને રજૂઆત કરી છે.
ભારતના ૮૨ દિવસની ઘરબંધી પછી ગત તા.૭-૬થી શરૂ થયેલ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો ૧૫ દિવસમાં આકાશને આંબી ગયો છે. ભારતની ૧૩૦ કરોડ આબાદી ૧૫ દિવસમાં ભાવ વધારાથી ત્રાસી ગઈ છે. આવા સંજોગોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા અને તમાકુ ઉત્પાદનો ઉપર કોવિદ સેસ નાંખી સરકારની તિજોરી ભરી શકાય તેમ છે તેવી અપીલ માજી સાંસદ માવાણી દંપતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાણામંત્રી સીતારમન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને લેખીત પત્ર પાઠવી કરી છે.
વર્તમાન સમયમાં કોવિદ-૧૯ની મહામારી સમયે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. અને મૃત્યુનું પ્રમાણ પણ વધતુ જાય છે. કોવિદની બીમારી થવામાં મહત્વનું એક કારણ તમાકુ ઉત્પાદનોનો વપરાશ છે. ભારતમાં આશરે ૩૯% પુરૂષો અને આશરે ૨૫% મહિલાઓ તમાકુ ઉત્પાદનોનો બંધાણી છે. વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સીગરેટ, બીડી, ગુટકા તેમજ અન્ય તમાકુનો ઉત્પાદન સસ્તા અને ઓછા ટેકસના ભારણ વાળા છે.જેથી ભારતમાં તમાકુ ઉત્પાદનોનો વપરાશ વધુ છે. અને કેન્સરના રોગોથી બિમારીનું પ્રમાણ પણ વધુ છે. અને કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધુ છે.
આવા સંજોગોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને બ્રેક મારી ભારતમાં તમાકુ ઉત્પાદનો ઉપર કોવિદ સેસ લાદવામાં આવે તો કેન્દ્ર સરકારે રૂ.૫૦ હજાર કરોડની આવક થવાના સંજોગો છે. આમ થશે તો ભારત સરકારનો વિકાસ દર વધી શકે છે. આરોગ્ય બજેટ ઘટી શકે છે. જાહેર આરોગ્ય વધી શકે છે, અને પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા થવાથી સરકારની લોકપ્રિયતામાં વધારો થવાની શકયતા છે. દેશમાં મોંઘવારીનો દર ઘટી શકે છે. જેથી કેન્દ્ર સરકારે આ પ્રકારનો સત્વરે નિર્ણય લેવો જાહેર હિતમાં આવશ્યક અને જરૂરી છે.તેમ માવાણી દંપતીએ જણાવ્યું છે.