અબતક, રાજકોટ
કોરોનાના વધતા જતા કેસ અને રાત્રિ કર્ફ્યૂને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસમાં ટ્રાફિક ઘટ્યો હતો. જેને કારણે એસટી બસની દૈનિક આવકમાં પણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ ફેબ્રુઆરી માસમાં લગ્ન સિઝન શરૂ થતાં અને કાલે વસંતપંચમીના અનુસંધાને સૌરાષ્ટ્ર- ગુજરાતમાં આયોજિત લગ્નમાં પહોંચવા માટે મુસાફરોનો ટ્રાફિક ફરી વધ્યો છે. વસંતપંચમીના અનુસંધાને એડવાન્સ બુકિંગ થયું હોવાનું એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
એક અંદાજ મુજબ શનિવારે એસટી બસમાં જે ટ્રાફિક હશે તેમાં 80 ટકા લગ્નપ્રસંગ માટેનો હશે. હાલમાં જે બુકિંગ થયા છે તેમા ટૂંકા અંતરની મુસાફરી માટે વધુ બુકિંગ થયા હોવાનું જાણવા મળે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસમાં જાન લઈ જવા માટે બસ માટે ઈન્કવાયરી અને બુકિંગ બન્ને વધ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. તાજેતરમાં એસટી બસના એક ચાલકે અકસ્માત કરવાના પ્રકરણમાં જવાબદાર સામે પગલાં લેવાયા હોવાનું અધિકારીએ જણાવ્યું છે. રાત્રિ કર્ફ્યૂ અને કોરોનાના વધતા જતા કેસને કારણે એસટી બસમાં ટ્રાફિક ઘટતા દૈનિક આવક બે લાખ રૂપિયાની ઘટી હતી.