અંધ દંપતી બન્યું અન્ય માટે પ્રેરણાનો મોટો સ્ત્રોત
કહેવાય છે કે સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય, આ યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરી છે જામનગરમાં રહેતા બે અંધ દંપતીએ. આજના ટેક્નોલોજીના યુગમાં મોટાભાગના લોકો સફળતા માટે આંધળી દોટ મૂકી રહ્યાં છે, કેટલાક લોકો સફળતા ન મળવા પાછળ પરિસ્થિતિના બહાના કરતાં હોય છે, પરંતુ આપણા સમાજમાં એવા અનેક ખમીરવંતા લોકો પણ છે જેઓ પરિસ્થિતિ પર કાબુ મેળવી યથાર્ત મહેનત કરીને સફળતાના ડુંગરો સર કરી જાણે છે. જામનગરના આ અંધ દંપતીએ શિક્ષણ ક્ષેત્રે એટલી મહેનત કરી કે તેમાંથી અનેક લોકોએ પ્રેરણા લેવાની જરૂર છે. તો આવો આ દંપતીની સફળગાથા પર એક નજર કરીએ.
વાત છે જામનગરમાં રહેતા ગાગલિયા મંજુલાબેન અને તેમના પતિ કલસરિયા રમેશભાઇની કે જેઓ બંને અંધ છે. મંજુલાબેને સાત વર્ષની ઉંમરે ભણવાની શરૂઆત કરી હતી ત્યારબાદ એકપછી એક ધોરણ પાસ કર્યા, આજે તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 2017માં અંધજન તાલિમ સંસ્થામાં નોકરી કરતાં રમેશભાઇ સાથે લગ્નગ્રંથીએ જોડાયા હતા.
લગ્નગ્રંથીએ જોડાયા બાદ પતિ સમક્ષ પીએચડી સુધીનો અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જેમાં પતિએ પણ સૂર પુરાવ્યો અને સંઘર્ષપૂર્ણ જીવન છતા બંનેએ મહેનત ચાલુ રાખી. મંજુલાબેને જણાવ્યું કે તેમના પિતાની ઇચ્છા હતી કે છેલ્લી ડિગ્રી જામનગર જઇને પુરી કરે. પતિના સંપૂર્ણ સહકારથી ડિગ્રી મેળવી પિતા અને પતિનું સપનું પૂર્ણ કર્યું છે. દિવ્યાંગ મહિલાએ પીએચડી પૂર્ણ કરી વિદ્યાર્થીઓને નવો રસ્તો કંડાર્યો છે. વિદ્યાર્થીઓ જ્યારે નાની એવી નિષ્ફળતા મળે ત્યારે ખોટા રસ્તે જતા હોય છે ત્યારે દિવ્યાંગ મહિલાએ દિવ્યાંગ હોવા છતાં પીએટી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી. વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો છે.