રસિલાબેન પાથર બન્યા પાલિકા પ્રમુખ.

બગસરા નગરપાલિકામાં પ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં અપક્ષના ટેકાથી ભાજપે સતા હાંસલ કરી હતી. જોકે બેઠક પૂર્વે જ પાંચ સભ્યોને કલેકટરના આદેશથી સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જયારે અન્ય ત્રણ રજા વગર ગેરહાજર રહેતા તેમના વિરુઘ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ બગસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચંપાબેન બઢીયાનું અવસાન થતા ખાલી પડેલી જગ્યા માટે ચુંટણી યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારી ઓઝા, મામલતદાર તલાટ તથા ચીફ ઓફિસર ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચુંટણીમાં શરૂઆત થતા જ કોંગ્રેસના મુકતાબેન નળિયાધરા, ભાવનાબેન કટેશીયા, દિલીપભાઈ મકવાણા તેમજ ભાજપના ફરઝાનાબેન બિલખિયા, નર્મદાબેન હડીયલને ગત ચુંટણીની કાર્યવાહી અન્વયે પક્ષાંતર ધારા મુજબની કલમ અન્વયે પાલિકાના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી તેમને તાત્કાલિક આ બેઠકમાંથી બહાર નિકળી જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ભાજપના કુલ ૯ સદસ્ય તથા કોંગ્રેસના કુલ ૯ સભ્યો અને એક અપક્ષ મળી ૧૯ સભ્યો ચુંટણીમાં હાજર રહ્યા હતા.

જેમાં કોંગ્રેસ દ્વારા મંજુલાબેન મેર અને ભાજપ દ્વારા રસીલાબેન પાથરનું ફોર્મ પ્રમુખપદ માટે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં અપક્ષ ઉમેદવાર રમેશભાઈ સોમાણી દ્વારા અંતિમ ક્ષણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટેકો જાહેર કરતા રસીલાબેન પથ્થરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજની બેઠકમાં ગેરહાજર રહેલા ભારતીય જનતા પાર્ટીના રેખાબેન પરમાર તેમજ હરેશભાઈ રંગાડીયાને ૬ વર્ષ માટે પક્ષના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાનું શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક ઉમેદવાર નર્મદાબેન ભરખડા પણ આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આમ ખુબ જ રસાકસીભરી આ બેઠકમાં અંતે અપક્ષના જોરે ભાજપે ફરી બગસરા નગરપાલિકાને કબજે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.