જામજોધપુર તાલુકા પંચાયતમાં માત્ર બે જ સભ્ય હોવા છતાં બસપાએ ભાજપ સાથે ગઠબંધન કરી શાસન ધુરા સંભાળી છે. જિલ્લામાં પ્રથમ તાલુકા પંચાયત છે જેમાં બસપાનું શાસન આવ્યું છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સત્તાવાર પ્રમુખ અને ઉપપ્રમુખ પદના દાવેદારોની હાર થઇ હતી. જયારે ભાજપના ટેકાથી બસપાએ કબ્જો કર્યો હોવાનું બસપાના આગેવાન હેમત ખવાએ જણાવ્યું હતું. તાલુકા પંચાયતમાં 18 સભ્યોમાંથી 9 સભ્યો કોંગ્રેસ પક્ષના છે અને ભાજપના 7 સભ્ય અને બસપાના બે સભ્યો ચુંટાયા છે ત્યારે જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે હંસાબેન શૈલેષભાઇ સાકરીયા ચુંટાઇ આવ્યા હતા. મહત્વની વાત એ છે કે, બસપાના ચાણકય આગેવાન એવા હેમત ખવા દ્વારા રાજકીય કવાયત કરીને માત્ર બસપાના બે જ સભ્યો હોવા છતા બસપા ભાજપ સાથે ગઢબંધન કરીને કોંગ્રેસ પક્ષના એક સભ્યને ખેડવીને ટેકો મેળવી અને બસપના પ્રમુખ પદના ઉમેદવાર હંસાબેન સાકરીયાને વિજય બનાવ્યા હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા હેમત ખવાને ટીકીટ આપવામાં આવી ન હતી. જેને લઇને હેમત ખવાએ કોંગ્રેસ સાથે રાજકીય છેડો ફાડયો હતો અને તેઓ બસપામાં વિધિવત જોડાયા હતા ત્યારબાદ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ગોપની બેઠક ઉપરથી બસપાના ઉમેદવાર તરીકે સમજુબેન હરદાસભાઇ ખવા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. તેમની સાથે તાલુકા પંચાયતમાં બે બેઠકો ઉપર બસપાના ઉમેદવાર પણ વિજય બન્યા હતા. જેમાંથી હંસાબેન શૈલેષભાઇ સાકરીયાને જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
બસપાના આગેવાન હેંમત ખવાએ રાજકીય પંડિતની જેમ આગવી રીતે રાજકારણમાં કોંગ્રેસ પક્ષને ધોબી પછડાટ આપી હતી. કોંગ્રેસ પક્ષ પાસે 9 સભ્યો હોવા છતા જામજોધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળ થયા હતા. જામજોધપુર તાલુકા પંચાયતમાં ભાજપના 7 સભ્યોનો ટેકો મેળવી બસપાના પ્રમુખ પદના ઉમેદવાર હંસાબેન સાકરીયાનો વિજય થયો હતો. આમ જામજોધપુર તાલુકા પંચાયત ઉપર બસપાએ કબ્જો કર્યો છે. જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકા પંચાયત પ્રથમ એવી તાલુકા પંચાયત બસપાની જિલ્લામાં બની છે.