પ્રથમ ૧૦,૦૦૦ કેસ નોંધાતા ૭૪ દિવસ લાગ્યા’તા, હવે દરરોજના ૧૦,૦૦૦થી વધુ કેસ: આવી જ બેદરકારી રહેશે તો ૨૦મીથી ૧૫૦૦૦ કેસ સામે આવે તેવી દહેશત
કોરોનાના સંક્રમણની સંખ્યા દેશમાં ખુબજ તિવ્રતાથી વધી રહી છે. કોરોનાને રોકવામાં લાદવામાં આવેલા લોકડાઉનને નાબૂદ કરાતા જનજીવન પણ ધીમીગતિએ સામાન્ય થવા લાગ્યું છે. અલબત લોકઓપન દરમિયાન કોરોનાના વધુને વધુ કેસ નોંધાઈ તેવી શકયતાઓ છે. ગઈકાલે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે ૧૦૭૦૦ કેસ સામે આવ્યા હતા. જો કોરોના વાયરસની તિવ્રતા આવી રીતે જળવાઈ રહેશે તો ૨૦મી સુધીમાં દરરોજ ૫૦,૦૦૦ કેસ સામે આવે તેવી દહેશત છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૨.૬૦ લાખને પાર થઈ ચૂકી છે.
કોરોના વાયરસના વધતા કેસ પાછળ લોકોની બેદરકારી વધુ કારણભૂત છે. સરકારે લોકડાઉન દરમિયાન લોકોને ઘરમાં રહેવા હાકલ કરી હતી. જેનાથી કોરોના વાયરસની સાયકલ તુટશે તેવી વકી હતી. અલબત લાંબા સમય સુધી લોકડાઉનની અમલવારી થઈ શકે નહીં જેથી લોકઓપનનો નિર્ણય લેવાયો હતો. પરંતુ લોકઓપન દરમિયાન કેટલાક લોકોની બેવકુફી દેશને ખતરામાં મુકી રહી છે. સ્થળાંતરીતોના કારણે પણ કોરોના વાયરસના સંક્રમણના કેસની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. કોરોના દેશમાં પ્રવેશ્યો ત્યારબાદ ૧૦,૦૦૦ લોકોને ચેપ ૭૪ દિવસોમાં લાગ્યો હતો. હવે ડબલીંગ રેટ ખુબ વધુ થઈ જતાં એક જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ કેસ નોંધાવા લાગ્યા છે.
છેલ્લા અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુદરમાં પણ ધરખમ વધારો થવા પામ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ૭૨૦૦થી લોકોનો ભોગ લઈ ચૂકયો છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં ૩૦૦૭ કેસ નવા નોંધાયા હતા. તામિલનાડુમાં ૧૫૧૫, જમ્મુ-કાશ્મીરમાં ૬૨૦, હરિયાણામાં ૪૯૬ અને પં.બંગાળમાં ૪૪૯ કેસ નોંધાયા હતા. મુંબઈમાં કોરોના વાયરસની સૌથી વધુ તિવ્રતા નજરે પડે છે. જ્યાં એક જ દિવસમાં ૧૪૨૦ કેસ નોંધાયા હતા અને ૯૧ લોકોના મોત થયા હતા. ગુજરાતમાં પણ કોરોનાની તિવ્રતા વધી છે.
અમદાવાદમાં મોતનો આંકડો ૧૦૦૦ને પાર થઈ ચૂકયો છે. ગુજરાતમાં ગઈકાલે ૪૮૦ નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કેસની સંખ્યા ૨૦,૦૦૦ને પાર થઈ ચૂકી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ગઈકાલે કોરોના પોઝિટિવ કેસમાં
ઉછાળો જોવા મળ્યો હતો. એક સાથે ૬૨૦ કેસ જમ્મુ-કાશ્મીરમાં નોંધાયા હતા.
નોંધનીય છે કે, દેશમાં કોરોના મુદ્દે લોકોએ દાખવેલી લાપરવાની ગંભીર પરિણામો આપી શકે છે. ભારત હવે કેસની સંખ્યામાં ઈટાલી કરતા પણ આગળ નીકળી ગયું છે. જો કે ભારતમાં ઈટાલીની સરખામણીએમૃત્યુદર ઓછો છે.
અલબત ધીમીગતિએ મૃત્યુદરમાં થતો વધારો જોખમી ગણી શકાય. દેશમાં લોકઓપન થતાં આગામી ૨૦ તારીખ સુધીમાં દરરોજ ૧૫૦૦૦ કેસ નોંધાવા લાગશે તેવી શકયતા છે. જૂન મહિનો કોરોનાના કેસ બાબતે ખુબજ ગંભીર બની જશે. અગાઉ પણ ‘અબતક’ના અહેવાલોમાં કોરોના વાયરસ મુદ્દે કેટલાક લોકોની મુર્ખામી અને ગભરામણ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. હજુ પણ જો લોકોની બેદરકારી યથાવત રહેશે તો જનજીવન ધબકવાની સાથો સાથ કોરોનાના કેસમાં વધુ જબ્બર ઉછાળો જોવા મળશે.