રાજકોટ બેડી માર્કેટયાર્ડ ખાતે ત્રીજા દિવસે પોલીસ પ્રોટેકશન સાથે મગફળીની હરરાજી શરૂ કરાવાઇ હતી. બે દિવસથી એસપીજી ગૃપે મગફળીની હરરાજી અટકાવતા યાર્ડના શાસકોએ પોલીસ રક્ષણ માંગી હરરાજી શરૂ કરાવી હતી.
રાજકોટ બેડી યાર્ડમાં છેલ્લા બે દિવસથી એસપીજી ગ્રુપના કાર્યકરોએ યાર્ડમાં ઘસી આવી ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળવા જ જોઇએ અને ૯૦૦ રૂ.થી નીચે વેચાવી ન જોઇએ તેવા સુત્રોચ્ચાર કરી મગફળીની હરરાજી અટકાવી દીધી હતી. એસપીજીના આ કાર્યક્રમથી ખેડુતોમાં પણ રોષ ફેલાયો હતો.
દરમિયાન બે દિવસથી યાર્ડમાં મગફળીની હરરાજી બંધ રહેતા યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ યાર્ડમાં પોલીસ રક્ષણ માંગ્યું હતું અને પોલીસ રક્ષણ હેઠળ આજે મગફળીની હરરાજી શરૂ કરાઇ હતી. પોલીસ બંદોબસ્તના કારણે આજે એસપીજીના કોઇ કાર્યકરો કે આગેવાનો યાર્ડમાં ફરકયા ન હતા.
રાજકોટ યાર્ડમાં મગફળીની નવી કોઇ આવકો થઇ નથી. જુનો જથ્થો જે પડયો છે તેનું વેચાણ થઇ રહયંુ છે. સૌરાષ્ટ્રના યાર્ડોમાં અઢી લાખથી વધુ મગફળીની ગુણીની આવકો થઇ હતી. છેલ્લા બે દિવસમાં પુષ્કળ આવકોના પગલે મગફળીમાં એક મણે ૪૦ રૂ.નો ભાવ ઘટાડો થયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું. રાજકોટ યાર્ડમાં મગફળી જીણી ૧ મણના ભાવ ૮૮૦ રૂ. તથા મોટી મગફળીના ભાવ ૭૯૦ રૂ. રહયા હતા.