- સંજય ભેંસાણિયાની ફરિયાદ પરથી ગુનો નોંધી યુનિવર્સિટી પોલીસે કલ્પેશ ત્રિવેદીની ધરપકડ કરી : રિમાન્ડની તજવીજ
શહેરમાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. એડવોકેટ સંજય ભેસાણિયાને શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી કલ્પેશ ત્રિવેદી અને અલ્પા ત્રિવેદી નામના ભાઈ-બહેને રૂ. 14.80 લાખની ઠગાઈ આચરી લીધાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથકે નોંધાઈ છે. મામલામાં પોલીસે કલ્પેશ ત્રિવેદીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જયારે અલ્પા ત્રિવેદીની શોધખોળ ચાલુ છે.
બનાવ અંગે કેકેવી હોલ પાસે રોયલ પાર્ક શેરી નં.10 માં સેંટ્રોસા રોયલ એપાર્ટમેન્ટમાં રહેતાં સંજયભાઇ ધીરૂભાઇ ભેસાણીયા (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કલ્પેશ પ્રદ્યુમન ત્રિવેદી (રહે. અક્ષરનગર શેરી નં.5, ગાંધીગ્રામ) અને અલપાબેન અમિત ત્રિવેદીનું નામ આપતાં યુની. પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કાલાવડ રોડ પર આવેલ બીઝનેશ પાર્ક એપાર્ટમેન્ટમાં ટેકસ ક્ધસલટન્ટની ઓફીસ ધરાવી એડવોકેટેની કામગીરી કરે છે. વર્ષ 2022ના નવેમ્બર માસમાં બ્લુ ફિનકેર કંપનીમાંથી ફોન આવેલ અને શેરબજારમા પૈસા રોકાણ કરવા બાબતે વાત કરેલ જેથી તેઓને ઓફીસે આવી શેરબજારમા પૈસા રોકાણ કરવા બાબતે સમજાવવાનુ જણાવેલ હતુ.
ત્રણેક દિવસ બાદ તે કંપનીના માણસ મનિષભાઈ ટેવાણી ઓફીસે રૂબરૂ આવેલા અને બ્લુ ફિનકેર કંપનીના શેરમાં પૈસાનુ રોકાણ કરવા અંગે સમજાવેલ અને તેમને તમારી કંપનીએ અન્ય કોઇ વ્યક્તિને શેરબજારમાં પૈસા રોકાણ માટે કરી આપેલ એગ્રીમેન્ટ બતાવો અને હું કંપનીના ઓર્નરને મળવા માંગુ છુ તેમ વાત કરેલ હતી.બે ત્રણ દિવસ બાદ કલ્પેશ ત્રીવેદી તથા મનિષ ટેવાણી બંને ઓફીસે આવેલ અને તેની સાથે એગ્રીમેન્ટની નકલ લઇને આવેલ હતાં.
કલ્પેશ ત્રિવેદીએ કહેલ કે, બ્લુ ફિનકેર કંપનીમા ઓર્નર તરીકે હું તથા મારા બહેન અલ્પાબેન ત્રિવેદી છીએ, તમે અમારી કંપની પેઢીમા પૈસાનુ રોકાણ કરશો તો, તમને અમારી કંપની સારૂ એવુ વળતર આપશે તેવી બાંહેધરી આપેલ હતી. થોડાક દિવસ બાદ ફરિયાદી શીતલ પાર્ક પાસે આવેલ ધ સ્પાયર-2 માં આવેલ આરોપીની ઓફીસે ગયેલ હતાં.
ત્યારે ત્યાં કલ્પેશ ત્રિવેદીએ પોતાની કંપનીમાં પૈસાનુ રોકાણ કરવા જણાવતાં તેઓએ રૂ.10 લાખનું રોકાણ કરવા માટે જણાવેલ હતું. બે ત્રણ દિવસ બાદ કલ્પેશ ત્રિવેદીનો ફોન આવેલ કે, અમારી કંપનીના શેરમાં પૈસાનુ રોકાણ કરવા માટે મહિનામા 5 તારીખે તેમજ 17 તારીખે એમ બે વખત પેમેન્ટ કરવુ પડે છે. જેથી ગઇ તા. 16/12/2022 ના તેઓ આરોપીની ઓફિસે ગયેલ અને કલ્પેશ ત્રિવેદીને રૂ.5 લાખનો ચેક અને રોકડા રૂ.5 લાખ મળી કુલ રૂ.10 લાખ એક વર્ષના સમયગાળા માટે શેરબજારમા રોકાણ કરવા આપેલ હતા.
તા.17/12/2022 ના નોટરાઇઝ લખાણ સમજુતી કરાર પણ કરાવેલ હતો. જેમાં બંને પક્ષકારોએ સમજુતી કરેલ હતી કે, બ્લુ ફિનકેર કંપનીમા રોકેલ નાણા પેટે માસીક રૂ.25 હજાર ચુકવશે તેમજ રોકાણ કરેલ મુડી તથા તેની ઉપરના વળતર માટે અમો હકદાર રહેશે તેવો કરાર કરેલ હતો. નાણા તા.17/12/2023 બાદ જ પરત લઇ શકશો અને કંપનીમા નાણા રોકેલ તે અવેજ પેટે કલ્પેશ ત્રિવેદીએ રૂ.5 લાખનો ચેક આપેલ હતો.
રોકડા રૂ.5 લાખના પણ વળતર પેટે માસીક રૂ.25 હજાર પુરા ચુકવશે તેવું જણાવ્યું હતું. બાદમાં તેઓએ રોકેલ મૂડીમાંથી કંપનીના એકાઉન્ટમાંથી વળતર પેટે અલગ અલગ તારીખે કુલ રૂ.1.20 લાખ મળેલ છે. તેઓને કંપનીમાંથી વળતર પેટે કુલ રૂ.6 લાખ લેવાના નિકળે છે જેની સામે વળતર પેટે રૂ.1.20 લાખ મળેલ અને કુલ વળતર પેટે રૂ.4.80 લાખ લેવાના નિકળે છે, જેના પેટે કલ્પેશ ત્રિવેદીએ રૂ.4.50 લાખનો ચેક આપેલ અને એમ.ઓ.યુ. કરાર કરાવી આપેલ હતો.
જેથી ફરિયાદીએ આરોપીની બ્લુ ફિનકેર કંપનીમાં શેરબજારમા રોકાણ કરવા આપેલ રૂ.10 લાખ તથા વળતરના રૂ.4.80 લાખ મળી કુલ રૂ.14.80 લાખ કલ્પેશ ત્રિવેદી તથા અલ્પાબેન ત્રિવેદીની કંપની પાસેથી લેવાના નિકળે છે, જે બાબતે અવારનવાર ફોન કરી રૂબરૂ જણાવેલ છતા શેરબજારમાં રોકાણ કરેલ રૂપિયા તેના પેટેની વળતર રકમ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ ન અને રકમ પરત ન કરી છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઈ એમ.જી.વસાવા અને ટીમે તપાસ હાથ ધરી કલ્પેશ ત્રિવેદીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે જયારે અલ્પા ત્રિવેદીની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.