શહેરીજનોને વધુ સુવિધા પુરી પાડવા કોર્પોરેશન સતત પ્રયત્નશીલ: ડો.પ્રદિપ ડવ
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે પ્રાથમિક શાળા નં.48ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, આવાસોનો ફાળવણી ડ્રો
રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે જિલ્લા ગાર્ડન ખાતે પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48ના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ, ઈલેક્ટ્રીક બસનો શુભારંભ, આવાસોનો ફાળવણી ડ્રો કરવામાં આવ્યો હતો. આ તકે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે. શહેરમાં ઈ-બસ દોડતી થશે. શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ થયું છે. પ્રજ્ઞા ક્લાસની શરૂઆત થઇ છે.
આ શાળાઓની સુવિધાઓ જોઈને આપણને ફરી ભણવાનું મન થાય !! ભૂતકાળમાં આવી શાળાઓની કલ્પના પણ અશક્ય હતી. આજે શિક્ષકોની ભરતી પણ પારદર્શક પદ્ધતિથી થઇ રહી છે. જેના કારણે સરકારી શાળાઓમાં હોશિયાર અને નિર્ધારિત લાયકાત ધરાવતા શિક્ષકો નિમણુંક પામી રહ્યા છે. ભૂતકાળમાં ભરતી માટેની આ પધ્ધતિને અનુસરવામાં આવતી ન્હોતી. ભગવાને કોરી સ્લેટમાં લખવાનો મોકો આપ્યો છે. હીરામાં પેલ પાડવાનો મોકો આપ્યો છે ત્યારે શિક્ષણની હાલની પદ્ધતિમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે.
શાળામાં ભણતા છાત્રોના આરોગ્યની ચિંતા સરકાર કરી રહી છે અને તેથી જ શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત થતો તમામ ખર્ચ સરકાર ભોગવી રહી છે. શાળામાં ભણતા બાળકો એ શાળાનો પ્રાણ છે. હાલ કોરોના કાળમાં બાળકો વગર શાળાઓ ભેંકાર ભાસતી હતી. પરંતુ પ્રાર્થના કરીએ કે હવે બધું પૂર્વવત થઈ જાય. શાળા સજીવન થાય અને ખીલખીલાટ કરતી થાય. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રનો પરિવાર સૌથી મોટો પરિવાર છે. શિક્ષણ ક્ષેત્રને પ્રગતિની દિશામાં ક્યાં પહોચાડ્યું અને ક્યાં પહોંચાડવા માંગીએ છીએ તે સૌ કોઈ માટે ખરેખર અભ્યાસનો વિષય છે.
નવી ઈ-બસ શરૂ થઇ રહી છે ત્યારે રાજકોટ શહેર સ્માર્ટ સીટી બનવા ભણી વધુ એક કદમ માંડી રહ્યું છે. મારૂ સ્કેચ તૈયાર કરનાર બાળકોને અભિનંદન પાઠવું છુ અને તેમની કલાને બિરદાવું છું. મેયર ડો.પ્રદિપ ડવે ઈલેક્ટ્રીક આધુનિક બસોનો શુભારંભ કરવામાં આવેલ છે. આ ઈલેક્ટ્રીક બસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાનો વાયુ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ ઘટાડવાનો પ્રયાસ છે. 1309 આવાસો ફાળવવામાં આવેલ છે તેમજ 7000થી વધુ આવાસોનું કામ ગતિમાં છે.
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખાનગી શાળામાં પણ ન હોય તેવી અદ્યતન સાધનો ધરાવતી લેબોરેટરી શિક્ષણ સમિતિની સ્કુલોમાં છે. વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાથેનું શિક્ષણ મેળવે તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સતત પ્રયત્નશીલ છે. ડોક્ટર અને શિક્ષક એ બે એવા વ્યવસાય છે કે, જેઓ લોકો તથા બાળકોના આશીર્વાદ મેળવે છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે એવોર્ડ વિજેતા શિક્ષકો રાષ્ટ્રીય કક્ષાએ વનિતાબેન રાઠોડ, રાજ્ય કક્ષાએ ડો.સોનલબેન ફળદુ, જિલ્લા કક્ષાએ શિલ્પાબેન ડાભીનું સન્માન કરવામાં આવેલ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રીને સ્કેચ ચિત્ર અર્પણ કરેલ. તેમજ શાળા નં.48ના પુર્વ વિદ્યાર્થી અને હાલમાં મેડીકલમાં અભ્યાસ કરતા રિદ્ધિ મકવાણા તથા મોહિત મકવાણાનું પણ સન્માન કર્યું હતું.