લાંબા સમય બાદ ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલએ રાપરના પાલનપર ગામે ચાલતી જુગારધામ પર દરોડો પાડી 1 લાખ 9870 રૂપિયાની રોકડ, વાહનો, મોબાઈલ મળી કુલ 3 લાખ 89 હજાર 870 રૂપિયાના મુદ્દામાલ સાથે નવ ખેલીઓને ઝડપી પાડતાં સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાન્ચના અધિકારીઓ ઊંઘતા ઝડપાયાં છે. રાપરના અરવિંદ પટેલ(બાંભણીયા) અને ખાનપરના શામજી ઝીણા કોલી દ્વારા નાલ ઉઘરાવાઈ આ જુગારધામ ચલાવાતું હોવાનું પોલીસે જણાવ્યું છે. અરવિંદ રાપર નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને કોંગ્રેસ કાર્યકર નવલબેન બાંભણીયાનો પુત્ર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીએસઆઈ જી.વી.વાણિયા અને સ્ટાફ એસઆરપીના જવાનો સાથે ગુપચુપ રીતે પાલનપર ગામના સીમાડે આવેલા નડેશ્વર મહાદેવ મંદિરથી અડધો કિલોમીટર દૂર સરકારી પડતર જમીનમાં ધમધમી રહેલાં જુગારધામ પર રેઈડ કરી હતી.
જો કે, પોલીસને જોઈ ખેલીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને જુગારધામના બંને સંચાલકો સહિત ચાર જણાં પોલીસને થાપ આપી નાસી ગયાં હતા. અલબત્ત, પોલીસે 3 મોટરસાયકલ-1 કાર સહિત નવ ખેલીને દબોચી લીધાં હતા. સ્થળ પરથી પોલીસે 109870 રૂપિયાની રોકડ રકમ, 25000ની કિંમતના 9 મોબાઈલ ફોન, 2.55 લાખની કિંમતના 4 વાહનો, લાકડાનું પાટીયું, પ્લાસ્ટિકના બે પાથરણાં વગેરે મળી કુલ 389870 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુધ્ધ જુગારધારાની કલમ મુજબ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલના આ દરોડા બાદ સ્થાનિક પોલીસ મથક અને પૂર્વ કચ્છની મહત્વની બ્રાન્ચના અધિકારીઓ-કર્મચારીઓ વિરુધ્ધ આંતરિક કાર્યવાહીની તલવાર તોળાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2017માં ભચાઉ ખાતે જન્માષ્ટમીના પર્વે સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડો પાડી જુગારક્લબનો પર્દાફાશ કર્યો હતો.