હાલ ટુ વ્હીલરની ખરીદી પર 1 ટકા લેખે વસૂલાતો વેરો નવા નાણાંકીય વર્ષથી 2.50 ટકા મુજબ વસૂલાશે

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2022-23નું રૂા.2334.94 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમાં વાહન વેરાના દરમાં વધારો કરવાનું સૂચવ્યું છે. જો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વાહન વેરામાં સૂચવાયેલો વધારો માન્ય રાખવામાં આવશે તો આગામી 1 એપ્રિલથી રાજકોટ વાસીઓએ ટુ વ્હીલર સહિતના તમામ વાહનોની ખરીદી મોંઘી થશે. ટુ વ્હીલરમાં ઓછામાં ઓછું રૂા.1200નો ભાવ વધારો આવી જશે.

હાલ મહાપાલિકા દ્વારા 1 લાખ સુધીના તમામ વાહનો પર 1 ટકા લેખે આજીવન વાહન વેરો વસૂલવામાં આવે છે. નવા નાણાંકીય વર્ષથી સ્કૂટર, મોટર સાયકલ, દ્વીચક્રીય વાહનો, ઓટો રિક્ષા, લોન્ડીંગ રિક્ષા, ફોર વ્હીલર, લોડીંગ ટેમ્પો, મિનિ ટ્રકની એક્સશોરૂમ પ્રાઇસ પર 2.50 ટકા લેખે વાહન વેરો વસૂલવા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. હાલ ટુ વ્હીલરની લઘુત્તમ કિંમત 80,000 ગણવામાં આવે તો વાહન વેરા પેટે ખરીદનારે 1 ટકા લેખે 800 રૂપિયા ચૂકવવામાં આવે છે. બજેટમાં સુચવવામાં આવેલો વધારો જો માન્ય રાખવામાં આવશે તો ટુ વ્હીલરની ખરીદી ઓછામાં ઓછી 1200 રૂપિયા મોંઘી થઇ જશે. હાલ 1 લાખથી વધુની કિંમતના તમામ વાહનો પર એક સમાન 2 ટકા લેખે વાહન વેરો વસૂલવામાં આવે છે.

પરંતુ બજેટમાં હવે મોટરકાર કે જીપ કે જેની કિંમત 4 લાખ સુધી છે. તેના પર એક્સશોરૂમ પ્રાઇસના 2 ટકા લેખે, 4 લાખથી 8 લાખ સુધીના વાહનો પર એક્સશોરૂમ પ્રાઇસના 2.50 ટકા લેખે, 8 લાખથી 15 લાખ સુધીના વાહનો પર એક્સશોરૂમ પ્રાઇસના 2.75 ટકા લેખે, 15 લાખથી 25 લાખ સુધીના વાહનો પર એક્સશોરૂમ પ્રાઇસના 3.50 ટકા લેખે, 25 થી 50 લાખ સુધીના વાહનો એક્સશોરૂમ પ્રાઇસના 4 ટકા લેખે, 50 લાખથી વધુ કિંમતના તમામ વાહનો પર એક્સશોરૂમ પ્રાઇસના 5 ટકા લેખે વાહન વેરો વસૂલ કરવામાં આવશે. જ્યારે ત્રીજી કેટેગરીમાં મેટાડોર, મિની બસ, મોટી બસ તથા અન્ય વાહનો પર એક્સશોરૂમ પ્રાઇસના 2 ટકા લેખે વાહન વેરો વસૂલવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.

જો શાસકો દ્વારા વાહન વધારો માન્ય રાખવામાં આવશે તો રાજકોટવાસીઓ માટે આગામી 1 એપ્રિલથી ટુ વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનોની ખરીદી મોંઘી થશે. રાજકોટવાસીઓ પર બજેટમાં રૂા.15 કરોડનો વાહન વેરાનો બોજ લાદવામાં આવ્યો છે.

ટેક્સનો 340 કરોડનો ટાર્ગેટ રૂ.417 કરોડની જમીન વેંચાશે

સતત સાતમાં વર્ષે મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવાની જાહેરાત

કોર્પોરેશનના વર્ષ 2022-23ના રૂા.2334.94 કરોડના બજેટમાં ટેક્સનો ટાર્ગેટ સતત બીજા વર્ષે 340 કરોડ રાખવામાં આવ્યો છે. આગામી નાણાંકીય વર્ષમાં આવક અને જાવકના ટાંગામેળ કરવા માટે કોર્પોરેશન દ્વારા 417 કરોડની જમીન વેંચવામાં આવશે. છેલ્લાં 7 વર્ષથી બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવાની જાહેરાત કરાઇ છે. પરંતુ તેની અમલવારી થતી નથી. આ વર્ષે પણ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ થકી 50 કરોડ એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

બજેટમાં ટેક્સ આવકનો લક્ષ્યાંક 340 કરોડ, વાહન વેરાનો લક્ષ્યાંક 35 કરોડ, જકાતની ગ્રાન્ટ રૂા.147.55 કરોડ, ઇમ્પેક્ટ ફી એફએસઆઇ અને ટીપીની આવક રૂા.183 કરોડ, વ્યવસાય વેરાનો લક્ષ્યાંક રૂા.38 કરોડ, હોર્ડિગ્સ બોર્ડની આવકનો લક્ષ્યાંક 18 કરોડ રાખવામાં આવ્યો છે. જ્યારે જમીન વેંચાણ દ્વારા રૂા.417 કરોડ ભેગા કરવાનું હાલ નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષથી મ્યુનિસિપલ બોન્ડ પ્રસિદ્વ કરવાની જાહેરાત ચોક્કસ કરવામાં આવે છે પરંતુ તે અંગે કોઇ કામગીરી થતી નથી. હવે બે નામાંકીત એજન્સી મારફત રેટિંગ મેળવવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.

જેમાં રાજકોટ મહાપાલિકાને ઇન્ડિયા રેટિંગ એજન્સીએ “એ એ ” તથા ક્રીસીલ એજન્સીએ “એ એ” રેટિંગ આપ્યું છે. ભારત સરકારે પણ યુએસ ટ્રેઝરી સાથે દેશના શહેરોને જોડ્યા છે. જેમાં રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાપાલિકાએ 150 કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવા માટેનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે. આગામી નાણાંકીય વર્ષમાં 50,000ના મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વોટર વર્ક્સના કામો માટે રૂા.51 કરોડની માતબર જોગવાઇ

રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ જૂન-2022 અને જેટકો ચોકડી ફિલ્ટર પ્લાન્ટ ડિસેમ્બર-2022 સુધીમાં તૈયાર થઇ જશે

વર્ષ-2022-23ના અંદાજપત્રમાં વોટર વર્ક્સના કામો માટે રૂા.51 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દરમિયાન રૈયા ફિલ્ટર પ્લાન્ટ જૂન-2022 સુધીમાં અને જેટકો ચોકડી ખાતે નિર્માણાધીન ફિલ્ટર પ્લાન્ટ ડિસેમ્બર-2022 સુધીમાં તૈયાર થઇ જશે. તેવી ઘોષણા પણ કરવામાં આવી છે. ન્યારી ડેમથી જેટકો ચોકડી સુધી પાઇપલાઇન નાંખવા માટે રૂા.12 કરોડ, જિલ્લા ગાર્ડન પમ્પીંગ સ્ટેશન માટે આજીડેમથી બાપુનગર ચોક સુધી પાઇપલાઇન નાંખવા માટે રૂા.3.80 કરોડ ફાળવવામાં આવ્યા છે. ભાદર જળાશય આધારિત રિબડા ફિલ્ટર પ્લાન્ટ પર જૂના જીએસઆરને દૂર કરી નવો જીએસઆર બનાવવા માટે રૂા.1.55 કરોડ, ન્યારા ફિલ્ટર પ્લાન્ટ તેમજ અન્ય જગ્યાએ 6 એમએલડીના બે ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે રૂા.3 કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગુરૂકુળ હેડવર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ડીઆઇ અપગ્રેશનના કામ માટે રૂા.18 કરોડ, રેલ નગર સહિતના બાકી રહેતા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવા રૂા. 4.20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાપાલિકાની હદમાં ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર, મનહરપુર ઉપરાંત સ્માર્ટ સિટી વિસ્તારમાં વસવાટ કરતા 3 લાખની વધુ લોકોને પીવાનું શુદ્વ પાણી મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. મુંજકા અને મોટામવા વિસ્તારમાં 30 લાખ લીટરની ક્ષમતાના ઇએસઆઇ તથા ગ્રાઉન્ડ સમ્પ બનાવવા માટે રૂા.15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

જ્યારે રાજકોટ શહેરમાં મોટા મૌવા, મુંજકા તથા ઘંટેશ્ર્વર અને માધાપર (મનહરપુર-1) વિગેરે નવા ભળેલા વિસ્તારોમાં પાણીની સુવિધા માટે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે ચાલુ વર્ષમાં તથા આગામી વર્ષ-2022-23માં રૂા.4146.66 લાખના ખર્ચે અંદાજિત 165.00 કિ.મી. લંબાઇની ડીઆઇ પાઇપલાઇન નાખવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.આ ઉપરાંત શહેરના ગુરૂકુળ હેડ વર્ક્સ આધારિત ગોંડલ રોડ તરફનો બાકી રહેતો વિસ્તાર તથા પુનીતનગર હેડ વર્ક્સના ગોકુલધામ મેઇન રોડ લાગુ વિસ્તારોમાં હયાત એસી પ્રેસર નેટવર્ક સુધારણા અંતર્ગત રૂા.2640.00 લાખના ખર્ચે અંદાજિત 125.00 કિ.મી. લંબાઇની ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક માટે બજેટ જોગવાઇ રાખવામાં આવેલ છે. ડીઆઇ નેટવર્કના કારણે શહેરમાં વર્ષો જૂની ગંદા પાણીની સમસ્યાઓનો ઉકેલ થશે તેમજ લાઇન લોસ ઘટાડી શકાશે.

10 નવા બગીચા બનાવાશે: ન્યારી ડેમ અને પ્રદ્યુમન પાર્ક ખાતે ઓક્સિજન પાર્ક

નવા નાણાંકીય વર્ષના બજેટમાં શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં 10 નવા બગીચા, બાલ ક્રિડાંગણ, સિનીયર સિટીઝન પાર્ક વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવા વિકાસ પામતા વિસ્તારો અને નવી ફાઇનલ થયેલી ટીપી સ્કિમ આજી ડેમ વિસ્તારના ભાગોળે તથા ઘંટેશ્ર્વર, માધાપર, મનહરપુર, મુંજકા, મોટામવા સહિતના અંદાજે 1.50 લાખ ચો.મી. વિસ્તારમાં બગીચા બનાવવામાં આવશે. આ માટે બજેટમાં રૂા.12.71 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરની ભાગોળે ન્યારી ડેમ સાઇટ અને પ્રદ્યુમન પાર્ક ખાતે લોકો માટે ઉપયોગી બની રહે તેવા અર્બન ફોરેસ્ટ (ઓક્સિજન પાર્ક) બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 50 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. બંને સ્થળે 20,000 ચોરસ ફૂટ એરિયામાં મીયાવાંકી પધ્ધતિથી ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે.

માધાપર, મુંજકા અને કોઠારિયામાં નવા આરોગ્ય કેન્દ્ર

લોકોને 24X7 આરોગ્યની સુવિધા મળી રહે તે માટે કોઠારિયામાં આરોગ્ય કેન્દ્ર બનાવવા રૂપિયા 1.22 કરોડની જોગવાઇ

વર્ષ-2022-23ના અંદાજ પત્રમાં ત્રણ નવા આરોગ્ય કેન્દ્ર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે અલગ-અલગ ત્રણ આરોગ્ય કેન્દ્રોનું આધુનીકરણ કરવાનું પણ ઘોષણા કરવામાં આવી છે. લોકોને 24 કલાક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે કોઠારીયામાં આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂા.1.22 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. હાલ હુડકો, ભગવતીપરા અને ચંપકભાઇ વોરા આરોગ્ય કેન્દ્ર ઘણા જૂના હોય અને તેનું બાંધકામ પણ ખૂબ જ જર્જરિત થઇ ગયું છે. જેનું ડિમોલીશન કરી નવું બાંધકામ કરવા માટે બજેટમાં 4.15 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા ભળેલા માધાપર અને મુંજકા વિસ્તારમાં રાજ્ય સરકારની મંજૂરી લઇ નવા બે અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જેના માટે બજેટમાં રૂા.1.90 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. લોકોને 24 કલાક આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે કોઠારીયામાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવાશે. જેના માટે 1.22 કરોડ ફાળવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.