ગુનેગારોના ફિંગરપ્રિન્ટ, હાથની છાપ અને પંજાના નિશાન, ફોટોગ્રાફ્સ, આંખો તેમજ રેટિનાના રેકોર્ડ સહિત ભૌતિક-જૈવિક નમુનાઓ લઈ શકાશે
લોકસભામાં ક્રિમિનલ પ્રોસિજર બિલ 2022 એપ્રિલમાં પસાર થઇ ગયા બાદ આ વિધેયક લાગુ થઈ ગયો છે. જે ગુનેગારોની ઓળખ અને ગુનાહિત કેસોની તપાસ અને ગુના સંબંધિત કેસોના રેકોર્ડ રાખવાની જોગવાઈ કરે છે. તેમાં ફિંગરપ્રિન્ટ, હાથની છાપ અને પંજાના નિશાન, ફોટોગ્રાફ્સ, આંખો અને રેટિનાના રેકોર્ડ સહિત ભૌતિક-જૈવિક નમુનાઓ અને તેના વિશ્લેષણ સહિત વ્યક્તિઓની ઓળખ માટે યોગ્ય પગલાં લેવાની કાનૂની સ્વીકૃતિ આપે કરે છે. આનાથી ગુનાઓની તપાસ વધુ અસરકારક અને ઝડપથી થઈ શકશે. પ્રિઝનર્સ આઇડેન્ટિફિકેશન એક્ટ 1920ને બદલે આ એક્ટ લાવવામાં આવ્યો છે. ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ જેવી ઓળખી શકાય તેવી માહિતી એકત્ર કરવાની પણ મંજૂરી આપે છે. સરકારનું કહેવું છે કે આ અધિનિયમને લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દોષિતો સામે સકંજો મજબૂત બનાવવાનો છે.
આ અધિનિયમથી વિવિધ પ્રકારના ડેટાનો વ્યાપ વધ્યો છે જે એકત્રિત કરી શકાય છે. આ સાથે એવા વ્યક્તિઓનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે જેમની પાસેથી આવો ડેટા એકત્ર કરી શકાય. તે કોઈપણ વ્યક્તિ પાસેથી વ્યક્તિગત ડેટા એકત્રિત કરવાની મંજૂરી આપે છે. તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે. જો કે અધિનિયમ જણાવે છે કે ગુનામાંથી નિર્દોષ જાહેર કરાયેલ વ્યક્તિનો ડેટા કાયમી ધોરણે નાશ કરવો જોઈએ, તેમાં એવી જોગવાઈ પણ છે કે કોર્ટ અથવા મેજિસ્ટ્રેટ આવા ડેટાને જાળવી રાખવાનો આદેશ આપી શકે છે.
ધરપકડ કરાયેલ વ્યક્તિઓ, જેમણે મહિલાઓ અથવા બાળકો વિરુદ્ધ ગુનો કર્યો હોય અથવા જેઓ સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર હોય, તેઓએ કાયદેસર રીતે તેમના જૈવિક નમૂનાઓ આપવાના રહેશે. જૈવિક નમૂનાઓ ઉપરાંત, તમામ ધરપકડ કરાયેલ વ્યક્તિઓ પાસેથી “માપ” અને વ્યક્તિગત ડેટાની માંગણી કરી શકાય છે.
નવો કાયદો મૂળભૂત અધિકારોને પણ જોખમમાં મુકતો હોવાના આક્ષેપ
આ અધિનિયમના વિરોધીઓ દલીલ કરે છે કે તે માત્ર દોષિતોના જ નહીં પરંતુ ઘણા નિર્દોષ વ્યક્તિઓના મૂળભૂત અધિકારોને પણ જોખમમાં મૂકી શકે છે. તેમને ડર છે કે તેનો ઉપયોગ લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને નિશાન બનાવવા અને દબાવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત વિધેયકના રાજકીય દૂરઉપયોગ પણ થઈ શકે છે તેવા આરોપ લાગ્યા છે. આ ઉપરાંત કાયદાની વિરુદ્ધમાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં ન્યાયિક સમીક્ષાની માંગણી કરવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 15 નવેમ્બર 2022ના રોજ થવાની છે.