ગાંધીનગરગથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરીઝમ એકસલન્સ એવોર્ડ-૨૦૨૦ એનાયત કરાયાં
હેરીટેઝ, પ્રાકૃતિક સૌંદર્ય, તીર્થ ઐતિહાસિક સ્થાનો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિકકક્ષાના પ્રવાસન સ્થળો થકી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે રોજગારીની સૌથી વધુ તકો ઉપલબ્ધ થઈ રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી નવી ટુરિઝમ, હેરિટેઝ, હોમસ્ટે પોલિસીના અમલથી આવનારા દિવસોમાં ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે બેસ્ટ ડેસ્ટીનેશન બનશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ ૨૦૨૦ એનાયત પ્રસંગે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ કેટેગરીમાં ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાવામાં આવ્યા હતા. જેમાં બેસ્ટ ફાઈવ સ્ટાર હોટલ: હયાત રિજન્સી, અમદાવાદ, બેસ્ટ હેરિટેજ હોટેલ: હેરિટેજ ખીરસરા પેલેસ, રાજકોટ, બેસ્ટ ઈન્બાઉન્ડ ટૂર ઓપરેટર: ફોરેન ટુરિસ્ટ – હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ, લીડિંગ ટૂરિઝમ ઈનિશ્યટિવ બાય અ ડીસ્ટ્રીક્ટ: ડીસ્ટ્રીક્ટ કલેક્ટર, નર્મદા તેમજ સ્પેશલ ક્ધટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી: મહેન્દ્રસિંહ વાઘેલાની પસંદગી કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીના હસ્તે પ્રવાસન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ બનો સવાયા ગુજરાતી કેમ્પેઈન, ગુજરાત ટુરિઝમની નવી વેબ સાઇટ તેમજ સ્ટેટ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ ન્યુ આઇન્ડેટિટીનું ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા ટુડે દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઈકોનીક લેન્ડ સ્કેપ ટુરિઝમ સર્વે એન્ડ એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાયો હતો.
મુખ્યમંત્રીએ એવોર્ડ વિજેતા સૌને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ ૨૦૨૦ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ અપાવશે. કોરોના મહામારીના કારણે સૌથી વધુ નુકસાન ટુર્સ એન્ડ ટુરિઝમ ક્ષેત્રને થયું છે. પ્રવાસન ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપે છે. ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
પોરબંદરથી મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલી ગાંધી સર્કીટ, રાજકોટ મ્યુઝિયમ, દાંડી સ્મારક અને દાંડી મ્યુઝિયમ, બૌદ્ધ સર્કીટ વડનગર, સફેદ રણ કચ્છ, સિંહ દર્શન ગિર સાસણ, ધોળાવીરા તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ જેવા તીર્થ સ્થાનો અને હેરિટેઝ સીટી અમદાવાદ ગુજરાતનો ટુરિઝમ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનો ભવ્ય વારસો ધરાવે છે. જેને આપણા સૌના પ્રયાસોથી વૈશ્વિક કક્ષાની ઓળખ અપાવી શક્યા છીએ તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ૨૭ સપ્ટેમ્બરને પ્રવાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના ભાગ રૂપે આ એવોર્ડ સમારોહનું આયોજન કરાયું છે. ગુજરાત સરકાર દ્વારા આવનારા દિવસોમાં પ્રવાસન ક્ષેત્રે વધુ બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રચર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેના દ્વારા વધુ ને વધુ રોજગારી ઉપલબ્ધ થશે. કોરોના સંક્રમણમાંથી બહાર નીકળીને ફરીવાર ટુરિઝમ ક્ષેત્રને ધબકતું કરીને આપણે આગળ વધવાનું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ખુશ્બુ ગુજરાત કી આ વાતને સાર્થક કરીને આવનારા દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા ગુજરાતને ટુરિઝમ ક્ષેત્રે વિશ્વના નકશા ઉપર વધુને વધુ પ્રસ્થાપિત કરીશું. દેશ-વિદેશના લોકો પુન: ગુજરાતમાં આવતા થશે, આવનારા દિવસો ગુજરાત ટુરિઝમના દિવસો બની રહેશે તેવી શ્રદ્ધા સાથે મુખ્યમંત્રીએ સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ભારતના અગ્રેસર રાજ્યોમાંનું એક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવવા આપણે ટુરિઝમ ક્ષેત્ર માટે પણ વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપીને ગુજરાતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત કરવા પડશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે ટુરિઝમ ક્ષેત્રે અનેકવિધ નયા આયામો હાંસલ કર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ ઈ-એવોર્ડ કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના એમ.ડી. મિનાક્ષી શર્મા, ગાંધીનગરથી ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્મા સહિત ટુર્સ અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા ઉદ્યોપગતિઓ જોડાયા હતા. પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવને આભાર વિધિ કરી હતી.