વાયરલ અને ખોટા મેસેજો પર કાબુ મેળવવો અત્યંત જરૂરી
૨૧મી સદીમાં લોકો સોશિયલ મિડીયાનો અતિરેક ઉપયોગ કરતા નજરે પડે છે. કયાંક સોશિયલ મિડીયાનો ઉપયોગ હકારાત્મક કાર્યો માટે કે કોઈ વ્યકિતનાં કાર્યને બિરદાવવા કે પછી જ્ઞાન મેળવવા જો થાય તો તેનો લાભ મળી શકે છે પરંતુ અડધોઅડધ લોકો સોશિયલ મિડીયાનો ઉપયોગ લોકોનાં જાણે ઘર ભાંગવા માટે થતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા સોશિયલ મિડીયા પર કઈ રીતે રોક લગાવવી તે દિશામાં પણ ચર્ચા-વિચારણા કરવાની આવશ્યકતા ઉભી થઈ રહી છે.
સોશિયલ મિડીયાનો સહારો લઈ હરામી લોકો ઘણાં લોકોનાં ઘર ભાંગી રહ્યા છે તેવા અનેક ઉદાહરણો સામે આવ્યા છે એવું જ એક ઉદાહરણ બન્યું જેમાં ૪૮ વર્ષીય વ્યકિતએ ન શોભે તેવા મેસેજ કરી તેમની પુત્રીની મિત્રનાં લગ્ન અટકાવવા માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી ખોટા મેસેજો વાયરલ કર્યા હતા. આ અંગે સાયબર પોલીસને જાણ કરાતા જ આરોપીનાં લોકેશનને ટ્રેસ કરી તેની ધરપકડ કરવા માટેની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ૨૩ વર્ષીય ભોગ બનેલી વ્યકિતએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, જે વ્યકિત દ્વારા ખરાબ મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે તેમની પુત્રી સાથે તેની મિત્રતા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ તેનાં નામનું ખોટું આઈડી સોશિયલ મિડીયા પર બનાવ્યું હતું અને ન શોભે તેવા મેસેજો તેમનાં વાગ્દતાને મોકલ્યા હતા જેમાં મેસેજો તેનાં ચરિત્રને લાંછન લગાવે તેવું ખુલ્યું હતું. મેેસેજોનાં કારણે તેની સગાઈ પણ તુટી ગઈ હતી. ત્યારે આ પ્રકારની ઘટનાઓ દિન-પ્રતિદિન વધતી જોવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા સોશિયલ મિડીયા પર જે બિભત્સ મેસેજ કે વાયરલ મેસેજો થતા હોય છે તેને કેવી રીતે રોકી શકાય તે દિશામાં પગલા લેવા જરૂરી બન્યા છે જેથી કોઈ નિર્દોષ વ્યકિત સોશિયલ મિડીયાનાં અતિરેક ઉપયોગનો ભોગ ના બની શકે.