- ગુરૂવારે જામનગરમાં ડુંગરગુરૂ રાજપ્રવજ્યા પટાંગણમાં દીક્ષા ગ્રહણ કરશે
જૈનોના 24મા તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનંતી કૃપા કરી જગતના સર્વ જીવોને સુખી થવાનો ઉત્તમ માર્ગ બતાવેલ છે. સંસારનો સર્વથા ત્યાગ કરી બધા જ પાપોને મનથી, વચનથી અને કાયાથી કરવાનો કરાવવાનો અને કોઈ પાપ કરતું હોય તો તેને સારું માનવાનો જીવનભર ત્યાગ કરી વિશિષ્ટ વ્રત-નિયમો ધારણ કરીને ભગવાનની આજ્ઞા મુજબ જ હવે પછીનું આખું જીવન સંયમિતરૂપે જીવવાનું હોય છે, જેમને જૈન ભાગવતી દીક્ષા કે સંયમ ગ્રહણ કહે છે. હેતકુમાર નીતિનભાઈ તુરખીયા (ઉ.વ.13) ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ રાજેશમુનિજી મહારાજસાહેબના શુભ સાંનિધ્યમાં તા.5 ડિસેમ્બર, ગુરૂવારના રોજ જૈન દીક્ષા ગ્રહણ કરવા માટે થનગની રહ્યા છે. નિર્દોષ સંયમ જીવનનું પાલન તો જેમણે શરીર અને સુખ-શીલિયાપણું છોડેલ હોય. સંસારમાં સુખ નથી એ સમજાઈ ગયું હોય એ મહા ઉદ્વયમી આત્મા જૈન દીક્ષા ગ્રહણ કરે છે.
અબતકની શુભેચ્છા મુલાકાત માં ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ દ્વારા અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા નું બહુમાન કરવામાં આવ્યું હતું
અબતકની શુભેચ્છા મુલાકાતે રાજુભાઈ બાવીસી તેમજ પરાગભાઈ કોઠારી પ્રશાંતભાઈ શેઠ રજનીભાઈ દોશી પરેશભાઈ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા
આપણા મહાન ભાગ્યોદયે આપણને મનુષ્યભવ મળ્યો. આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળ મળ્યું, પરંતુ મનુષ્ય જન્મને સફળ કરવા માટેનો સાચો પુરૂષાર્થ તો અત્યંત અલ્પ આત્માઓ જ કરતાં હોય છે. આવો જ ભવ્ય અને ભગીરથ પુરૂષાર્થ કરવા માટે ચિ. હેતકુમાર 13 વર્ષની નાની ઉંમરમાં ઉદ્યમવંત્ત થયા છે. જે જીવ જાગે છે તે જીવ સંસારને જરૂર ત્યાગે છે. મહાન આત્માઓ મહાત્મા બનવા ઉદ્યમવંત થાય છે. વીરપ્રભુએ પ્રકાશેલા ઉત્તમ સંયમ માર્ગને પ્રાપ્ત કરવા ચિ. હેતકુમાર જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલા છે.
દીક્ષા મહોત્સવની મંગલમય ઘડીએ શુદ્ધ સંયમ માર્ગને અનુમોદવા, વિશાળ સંત-સતીવૃંદના દર્શન-વંદન-વ્યાખ્યાન તથા માંગલિક શ્રવણનો અનુપમ લાભ લેવા, દીક્ષાર્થીના તેજને નિહાળવા, સંયમ વિધિના પ્રત્યક્ષ સાક્ષી બનવા તેમજ જૈન શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરવા સમસ્ત શ્રીસંઘ, જૈન-જૈનેત્તર આદિ સર્વે જૈન શાસનપ્રેમીઓને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટે પાઠવેલ છે
ગુરુભગવંત ગોંડલ ગચ્છ આધ્યસ્થાપક ગચ્છાધિપતિ આચાર્ય ડુંગરસિંહજી સ્વામીના પોટાનુપાટ બહુશ્રુત જશાજી સ્વામી પાટાનુપાટ સ્થવિર ગુરુદેવ પ્રેમચંદજી મહારાજસાહેબ શિષ્યરત્ન અનંત ઉપકારી ચારિત્રનિષ્ઠ ગુરુભગવંત રાજેશમુનિજી મહારાજસાહેબ.
‘શ્રી ડુંગરગુરુરાજપ્રવજ્યા પટાંગણ’, એમ. પી. શાહ કોલેજ, 7 રસ્તા, જામનગર દીક્ષાવિધિ 5 ડિસેમ્બર, ગુરુવારે સવારે 10.30થી શરૂ થશે.
મહાભિનિષ્કમણ 5 ડિસેમ્બર, ગુરુવારે સવારે 9.30 સંઘમાતા ‘હેમલતા શાહ’ના નિવાસ સ્થાન ‘ખુશ્બુ વાડી’થી દીક્ષા ભૂમિ (એમ. પી. કોલેજ) પ્રયાણ કરશે અને આત્મિય નિવેદન: દીક્ષા મહોત્સવમાં શ્ર્વેત-સાદા વસ્ત્રોમાં પધારી પ્રસંગની શોભા વધારશો. દીક્ષા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભાવિકો પધારશે અને માઇક-લાઉડ સ્પીકર ન હોવાથી સંપૂર્ણ મૌન પૂર્વક દીક્ષા અનુમોદના કરવા શ્રીસંઘે સવિનય વિનંતી કરેલ છે.
દીક્ષા મહોત્સવ માટે શ્રી સ્થા. જૈન ચાંદી બજાર મોટા સંઘ- જામનગરના શ્રાવક-શ્રાવિકાજીઓ અનેરા ઉત્સાહ અને ઉમંગથી સેવા આપી રહેલ છે. શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, દિલીપભાઈ સખપરા, પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ સંયમ અનુમોદનાનો લાભ લઈ રહેલ છે.
માત્ર 13 વર્ષની ઉંમરે જ હેત દીક્ષા ગ્રહણ કરશે: રાજુભાઈ બાવીસી
અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું રાજુભાઈ બાવીસીએ જણાવ્યું હતું કે હેત ને પરિવાર તરફથી જ ધર્મના સંસ્કારોનું સિંચન કરવામાં આવી રહ્યું છે હેત વારંવાર મહારાજ સાહેબને દીક્ષા ગ્રહણ કરવા માટે અપીલ કરતો હતો હેતને માત્ર 13 વર્ષની ઉંમરમાં જ સંયમનો માર્ગ ખરો માર્ગ લાગ્યો