કોરોના ધીમો પડતા હજુ માંડ આંતરરાષ્ટ્રીય મુસાફરીના દરવાજા ખુલ્યા હતા ત્યાં હવે ફરી બંધ થવાના એંધાણ છે. દક્ષિણ આફ્રિકામાં શોધાયેલા નવા વેરિએન્ટ ઓમિક્રોનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતાજનક ગણાવતા વિશ્વભરના મોટાભાગના દેશો દ્વારા દક્ષિણ આફ્રિકાની મુસાફરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. જેમાં ઇઝરાયેલ, ઇન્ડોનેશિયા, મોરક્કો, સાઉદી અરેબિયા, જર્મની, યુરોપના મોટાભાગના દેશોનો સમાવેશ છે.
ભારતે પણ ગઈકાલે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં મુસાફરોનો ફરજિયાત RT-PCR ટેસ્ટ તેમજ કોવિડ જોખમ ધરાવતા દેશોના તમામ મુસાફરોનો ટેસ્ટ અને પોઝિટિવ આવશે તેઓને ક્વોરન્ટાઇન કરવા આદેશ જારી કરાયા છે. આ ઉપરાંત તેમના નમૂનાઓ જીનોમિક પરીક્ષણ માટે મોકલવામાં આવશે. જેઓનો ટેસ્ટ નેગેટિવ આવશે તેઓએ પણ એક અઠવાડિયા માટે ઘરમાં ક્વોરેન્ટીન અને આઠમા દિવસે ફરી ટેસ્ટ કરાવવાનો રહેશે.
કોરોનાનું વધુ જોખમ ધરાવતા દેશોની યાદીમાં ભારતે યુકે સહિત યુરોપના દેશો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ કર્યો છે. આ મુસાફરોએ છેલ્લા 14 દિવસની તેમની મુસાફરીની વિગતો પણ જાહેર કરવી પડશે.