આહીર રેજીમેન્ટ મુદ્દે સાવરકુંડલામાં યોજાઈ વિશાળ સભા અને રેલી, હજારોની સંખ્યામાં જોડાયા
ભારતીય સેનામાં ૧૯ જેટલા જ્ઞાતિ અને ક્ષેત્ર આધારિત રેજીમેન્ટો છે ત્યારે દેશ માટે આહીર સમાજના અનેક બલિદાનો હોવા છતાં પણ ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ ના હોવાના કારણે સમગ્ર ભારતનો ૨૬ કરોડ આહીર સમાજ ઉગ્ર માંગ સાથે આહીર રેજીમેન્ટની માંગણી કરી રહ્યો છે ત્યારે આ માંગણીને લઈને સમગ્ર ભારતમાંથી આહીર રેજીમેન્ટની માંગણી સાથે ૧૦ લાખ પોસ્ટકાર્ડ લખાયા હતા અને ૨૭ ડિસેમ્બરે ૧૪ જેટલા રાજયોમાં ૧૫૦થી વધારે જગ્યાઓ પર આહીર સ્વાભિમાન રેલી નિકળી હતી.
સાવરકુંડલા ખાતે ગાંધીધર્મશાળા ખાતે આહીર રેજીમેન્ટની માંગણી એક સભાનું આયોજન થયું હતું અને ત્યારબાદ વિશાળ આહીર સ્વાભિમાન બાઈક રેલી નિકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ રેલી મામલતદાર કચેરીએ પહોંચી આવેદન અપાયું હતું. આ વિશાળ રેલીમાં આંદોલનકારી પ્રવિણ રામ હાજર રહ્યા હતા અને સભા સંબોધી હતી અને સાથે એકતા મંચના પ્રમુખ અરજણભાઈ આંબલિયા પણ હાજર રહ્યા હતા.
આહીર રેજીમેન્ટના મુદાને લઈને આગામી પ્રોગ્રામ બાબતે પ્રવિણ રામે જણાવ્યું
કે, આ મુદાને લઈને ૨૧ જાન્યુઆરીથી ભાલકાતીર્થ ખાતેથી આહીર સ્વાભિમાન
યાત્રાનો ભાલકાતીર્થની માટીને સાથે લઈને પ્રારંભ થશે જે ગુજરાત સહિત તમામ રાજયોમાં
ભ્રમણ કરશે અને ભાલકાતીર્થની આ માટી ભારતના ધાર્મિક સ્થળો સુધી પહોંચાડી ભગવાન શ્રીકૃષ્ણના
વિચારોને વધુ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ યાત્રા ફેબ્રુઆરીમાં દિલ્હી પહોંચી
રાષ્ટ્રીહિત અને દેશહિત માટે આહીર રેજીમેન્ટની માંગણી સાથે દેશના ૨૬ કરોડ યાદવો દિલ્હી
તરફ કુચ કરશે.