સિક્કિમમાં વાદળ ફાટવાને લઈને સર્જાયેલી પૂરની ઘટનાને પગલે સ્થાનિક લોકો માટે જીવવાનું અઘરૂ બની ગયું છે. વરસાદ અને પાણી પોતાની સાથે લઈ આવેલા કાટમાળ વચ્ચે જીંદગી ધબકવાનું શરૂ કરે તે પહેલા જ ફરી એકવાર સ્થાનિક શાકો તળાવ ફાટવાનો ખતરો સામે આવ્યો છે.
શાકો તળાવ ફાટવાની શક્યતાને જોતા આજબાજુના 3 જિલ્લામાં ખતરાનું એલર્ટ આપવામાં આવ્યું છે. સિક્કિમની વાત કરીએ તો ભયાનક પૂરના પગલે હજારો લોકોની જીંદગી પર તેની અસર આવી છે. આ ઘટનામાં અનેક લોકો તણાઈ ગયા છે કે જેમાં સેનાના જવાનો પણ સામેલ છે, તો મોતનો આંકડા પણ વધ્યો છે. તાજી માહિતિ પ્રમાણે મંગન જિલ્લાનું શાકો ચો તળાવ ફાટવાની દહેશત છે.
શાકો તળાવ ગમે ત્યારે ફાટી શકે છે : ત્રણ જિલ્લામાં નવા ખતરાનું એલર્ટ
સિક્કિમ હજુ તેની નુક્શાનીમાંથી બહાર નથી આવ્યું અને બીજા પૂરની આગાહીના પગલે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર લોકો સાથે ભેગા મળીને રેસ્ક્યુ ઓપરેશન્સ પણ ચલાવી રહ્યા છે છતા જે પ્રકારે શાકો તળાવ ફાટવાનું એલર્ટ આવ્યું છે તે બાદ લોકોમાં ગભરાટ ફેલાવો સ્વાભાવિક છે.
આ એલર્ટ અને ખતરા વચ્ચે તળાવ અને તેની આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જણાવવું રહ્યું કે આ તળાવ થંગુ ગામ પાસે આવેલું છે અને પૂરના કારણે સ્થાનિક રસ્તો તો ધોવાઈ જ ગયો છે. સિક્કિમના ગંગટોક જિલ્લાનું સિંગતમ, મંગન જિલ્લાના ડિકચુ અને પાક્યોંગ જિલ્લાના રંગપો અને ગોલીતાર વિસ્તાર પર ખતરાનું એલર્ટ આપવામાં આવ્યું છે.
સૈનિકો રસ્તાઓ સાફ કરવામાં અને લોકોને વહેલી તકે બહાર કાઢવામાં વ્યસ્ત છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સેટેલાઈટ ડેટા મુજબ શાકો ચા તળાવ ગમે ત્યારે ફાટી શકે છે કેમ કે તળાવના ઉપરના વિસ્તારમાં ગ્લેશિયરના તાપમાનમાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે અચાનક પાણીનો પ્રવાહ વધી જાય છે તો વધુ એક પૂરની સ્થિતિ બની શકે છે. આ સ્થિતિને જોતા જ લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે.
પૂરના કારણે 68 લોકો 16000 ફૂટની ઉંચાઈ પર ફસાયા હતા. આઈટીબીપી રેસ્ક્યુ ટીમે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ 68 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.