ઠંડીનો વધુ એક રાઉન્ડ: રાજકોટનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચ્યું: રાજ્યના 10 શહેરોના તાપમાન 13 ડિગ્રીથી નીચે પહોંચ્યું
રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષથી રાજ્યભરમાં શીતલહેર ફરી વળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
દિવસ દરમિયાન સાધારણ ગરમી-રાત્રે ઠંડીના ચમકારાને પગલે ડબલ સીઝન અનુભવાઇ હતી. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદ સહીત સૌરાષ્ટ્રભરમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 10થી 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં પારો 14 ડિગ્રીથી વધારે હતો.તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હોય તેમાં નલિયા ઉપરાંત માત્ર ગાંધીનગરનો સમાવેશ થાય છે.
રાજકોટમાં ચાર દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7 ડિગ્રી વધીને 17 થઇ ગયું હતું. જો કે આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું હતું.
ઉત્તર ભારતમાં હીમવર્ષાના કારણે રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે. શનિવારે નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે રાજ્યના તમામ મહાનગરોમાં નોંધાયેલા તાપમાન કરતા સૌથી નીચું છે. અમદાવાદમાં 14.1 ડિગ્રી, અમરેલીમાં 13.4 ડિગ્રી, ભૂજમાં 12 અને ડીસામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધી રહેલી ઠંડીને કારણે રાજ્યમાં જનજીવન પર અસર પડી છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે.રાજકોટ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
રાજકોટમાં પણ ઠંડીનો પારો દસ ડિગ્રીએ પહોંચ્યો હતો.જેથી કાતિલ ઠંડીના ઠારથી અજાણ્યા વૃદ્ધનું ઠૂંઠવાઇ જવાથી મોત નીપજ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જામનગર રોડ, પોલીસ હેડ ક્વાર્ટર પાસેના પેટ્રોલ પંપ નજીક આવેલા સિટી બસ સ્ટોપ પર જીવન વ્યતિત કરતા વૃદ્ધ બેભાન હાલતમાં હોવાની 108ની ટીમને જાણ થઇ હતી. જેથી તુરંત ટીમ ત્યાં દોડી ગઇ તપાસ કરતા વૃદ્ધનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.