ટ્રોલીમાં આઠ વ્યકિતઓ જેટલો વજન રાખી સવારથી સાંજ સુધી ૨૫ ટ્રોલીઓ દોડાવાઈ રહી છે

ઉંચો ગઢ ગિરનાર, વાદળથી વાતુ કરે…પવિત્ર યાત્રાધામ અને ઐતિહાસિક શહેર જુનાગઢ ખાતે આવેલ ગીરનારની ટોચ પર પહોંચવા હવે ગણતરીનો જ સમય લાગશે. સૌરાષ્ટ્રમાં રોપ-વેની શરૂઆત ગીરનારથી જ થઈ રહી છે અને તે કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ૨૫ ટ્રોલીઓને સવારથી સાંજ સુધી અંબાજી સુધી પહોંચાડવામાં આવે છે. રોપ-વેની ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે અને હજુ પંદરેક દિવસ આ ટ્રાયલ ચાલશે.

ઓસ્ટ્રીયાની બીજી ટીમ આવી ગયા બાદ જૂનાગઢના ગિરનાર ઉપર શરૂ થનાર રોપ-વેની ૨૫ ટ્રોલી સાથે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ટ્રાયલ સંભવત પંદર દિવસથી વધુ ચલાવવામાં આવે તેવું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગરવા ગઢ ગિરનાર ઉપર માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચવા માટે ગિરનાર રોપ-વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જો કે, લોક ડાઉન દરમિયાન આ કામગીરી સ્થગિત કરવામાં આવી હતી, અને ઓસ્ટ્રીયાથી જે એન્જિનિયરો આવ્યા હતા તે તેમના દેશમાં પરત ફર્યા હતા, પરંતુ અન લોક ૧ જાહેર થતાની સાથે જ ફરી રોપ-વેની કામગીરી બમણા જોશ સાથે શરૂ કરી દેવામાં આવી હતી.

દરમિયાન એક અઠવાડિયા પહેલા ઓસ્ટ્રીયાની એક ટીમ જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી, અને લોવર થી અપર પોઇન્ટ સુધીના પોલ અને તેમના પર કેબલ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આ ટીમ દ્વારા સિગ્નલ અને કેબલ સહિતના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. દરમિયાન ઓસ્ટ્રીયાની બીજી ટીમ જૂનાગઢ ખાતે આવી પહોંચી છે અને તેમણે ૨૫ જેટલી રોપવે ટ્રોલીમાં આઠ વ્યક્તિના ક્ષમતા જેટલા વજન રાખી ટ્રોલીની ટ્રાયલ શરૂ કરી છે. અને સવારના ૮ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી ૨૫ જેટલી ટ્રોલી દોડાવાઈ રહી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ખાસ કરીને આ ટેસ્ટિંગમાં જ્યારે ટ્રોલી લોવર્ થી ઉપર પોઇન્ટ  તરફ જાય છે ત્યારે તેમને કોઈ મુશ્કેલી આવે છે કે કેમ તથા કેબિનમાં વાઈબ્રેશન કેટલુ થાય છે, તેની ચકાસણી થઇ રહી છે, તથા ચકાસણી દરમિયાન તકેદારીની બાબત પણ તપાસાઈ રહી છે. તથા સંભવત આ ચકાસણી હજુ પંદર દિવસ કરતા વધુ સમય સુધી કરવામાં આવશે, તેવું વર્તુળોમાંથી જાણવા મળી રહયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.