હવે સર્વોચ્ચ અદાલત તેની સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે કોલેજીયમ દ્વારા ભલામણ કરાયેલા ત્રણ હાઇકોર્ટના જજોને સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે નિયુક્તિ આપવાની ભલામણને મંજુર કરી છે જેના લીધે હવે સુપ્રીમ કોર્ટ હવે કુલ 34 જજોની સંપૂર્ણ ક્ષમતા સાથે ધમધમવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ આખરે કેન્દ્ર સરકારે ત્રણ જજોની નિમણૂક પર નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી છે. દિલ્લી, રાજસ્થાન અને ગુવાહાટીના મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્મા, ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે.
દિલ્લી, રાજસ્થાન અને ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ અપાઈ
આ તમામ ન્યાયાધીશો આજે સાંજે 4.15 કલાકે શપથ લેનાર છે. તેમની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 34 થઈ જશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા, જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહ અને જસ્ટિસ સંદીપ મહેતા હાલમાં દિલ્હી, રાજસ્થાન અને ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અગાઉ મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ઉચ્ચ ન્યાયપાલિકામાં કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્રનું પસંદગીયુક્ત વલણ સમસ્યા ઊભી કરશે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાયેલા નામોને પણ મંજૂર કરવામાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે એવી સ્થિતિ ઊભી થશે નહીં કે જ્યાં આ કોર્ટ અથવા કોલેજિયમને એવો કોઈ નિર્ણય લેવો પડશે જે સરકારને પસંદ ન હોય.’