સ્ટાર ગૃપ ઇનામી ધમાકાની સ્કીમ હેઠળ મહિલા સહિત સાત શખ્સોએ રૂા.1.95 લાખની ઠગાઇ કરી
સોની વેપારી પાસે રાજસ્થાની શખ્સે ઓનલાઇન સોનાના ઘરેણા મંગાવી રૂા.14.18 લાખ ન ચુકવી છેતરપિંડી કરી
લોભીયાનું ધન ધુતારા ખાય તે કહેવાતને રાજકોટ પોલીસમાં નોંધાયેલા છેતરપિંડી અંગેના ત્રણ ગુના સાથે સાર્થક થઇ રહી છે. એકના ડબલ કરવાની સ્ટાર ગૃપ ઇનામી ધમાકાની હેઠળ બે મહિલા સહિત આઠ શખ્સોએ રૂા.1.95 કરોડની છેતરપિંડી કરી લોક ડાઉન દરમિયાન જરૂરીયાત મંદોને રાશન કિટરનું વિતરણ કર્યાની, વકીલ કાકાને કુટુંબી ભત્રીજાએ તબેલાના વ્યવસાયમાં રૂા.21.50 લાખનું રોકાણ કરાવ્યા બાદ નાણા પરત આપવાના બદલે ડુપ્લીકેટ ઘરેણા ધાબડી વિશ્ર્વાસઘાત ર્ક્યાની અને સોની વેપારી પાસે રાજસ્થાની શખ્સે સોનાના ઘરેણાનો ઓન લાઇન ઓર્ડર આપી રૂા.14.18 લાખનું પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પારકા પૈસે પુણ્ય મેળવવા સ્ટાર ગૃપના સભ્યોએ લોકડાઉનમાં કીટ વિતરણ કર્યુ
રામનાથપરા નજીક આવેલા નવયુગપરા શેરી નંબર 4માં રહેતા કમલેશભાઇ માધુભાઇ ભટ્ટીએ ઘાચીવાડમાં સ્ટાર ગૃપ ઇનામી ધમાકા નામની જુદી જુદી સ્કીમ હેઠળ અનેક એજન્ટો અને સભ્ય બનાવી રૂા.1.95 કરોડની છેતરપિંડી કર્યાની આસ્માબેન કાશમાણી, રંજનબેન માવજીભાઇ રાઠોડ, વિક્રમભાઇ રાઠોડ, ભૂપતભાઇ રામજીભાઇ વાઢેર, કેતન ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ભટ્ટી, રજાક કાશમાણી અને સાહિદ આમદ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
વકીલ કાકા સાથે ભત્રીજાએ તબેલો બનાવવા રૂા.21.50 લાખનું રોકાણ કરાવી પેમેન્ટ પરત કરવા નકલી ઘરેણા ધાબડી દીધા
અસ્માબેન રજાકભાઇ કાશમાણી અને દેવીબેન ઉર્ફે હર્ષાબેન માવજીભાઇ રાઠોડ નામની મહિલાઓએ સૌ પ્રથમ વખત 2019માં સ્ટાર ગૃપ ઇનામી ધમાકાની ફરત મિત્ર મંડળ માટે સ્કીમ જાહેર કરી પોતાની આજા ફરાજા સ્કીમમાં વધુ વ્યક્તિઓને ફસાવવા માટે શિવ શક્તિ હોટલમાં સભ્ય માટે જમણવારનું આયોજન કરી સ્ટાર ગૃપ ઇનામી ધમાકામાં રોકાણ કરનારને બે વર્ષમાં નાણા ડબલ કરવાની લોભામણી લાલચ આપી હતી. ત્યાર બાદ તા.10-1-21માં 140 સભ્ય માટે 20 મહિનામાં નાણા ડબલ કરવાની સ્કીમ, તા.18-3-2021માં 500 સભ્ય માટે માસિક રૂા.3600ના હપ્તા ભરનારને 40 હપ્તા બાદ રૂા.1.44 લાખ પરત ચુકવવા અંગેની જુદી જુદી સ્કીમ જાહેર કરી રૂા.1.95 કરોડ એકઠા કર્યા બાદ સ્ટાર ગૃપ ઇનામી ધમાકા સ્કીમના સંચાલકોએ હરવા ફરવામાં મોટી રકમ વાપરી નાખી હતી તેમજ લોક ડાઉન દરમિયાન જરૂરીયાત મંદને રાશન કીટનું વિતરણ કરી નાખ્યું હતું. રોકાણકારોએ પોતાની પાકતી મુદતે નાણા પરત આપવા દબાણ શરૂ થતા ગત તા.1-6-21ના રોજ સ્ટાર ગૃપ ઇનામી ધમાકાની સ્કીમ ચલાવતા દેવીબેન ઉર્ફે હર્ષાબેન પોતાના ઘરે ગળાફાંસો આપઘાત કરી લીધો હતો. રોકાણકારોની મરણ મુળી ફસાઇ ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
કિશાનપરા શેરી નંબર 2માં રહેતા એડવોકેટ મનોજસિંહ કાળુભા જાડેજાએ ગાંધીગ્રામ વિસ્તારના જીવંતિકાનગરમાં રહેતા પોતાના કુટુંબી ભત્રીજા જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સામે રૂા.21.50 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જયેન્દ્રસિંહ જાડેજાએ ગજકેશરી ફાયનાન્સ પેઢી શરૂ કરી બોરસદ નજીક કોઠીયાખાડ ખાતે ગાયો ને ભેસોનો તબેલો શરૂ કરી તેમાં નાણાનું રોકાણ કરવા પોતાના કુટુંબી કાકા મનોજસિંહ જાડેજાને કહી મોટુ વળતર આપશે તેમ કહેતા ગત તા.1-6-16ના રોજ રૂા.21.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. જયેન્દ્રસિંહ જાડેજા વળતર ચુકવતા ન હોવાથી તેની પાસેથી પોતાની મુળ રકમની મનોજસિંહ જાડેજાએ માગણી કરતા તેઓને વિશ્ર્વાસ અપાવવા 916 હોલમાર્ક કરાવેલા સોનાના સાત ચેન, એક વીંટી અને સોનાની લક્કી આપી પોતે નાણા ચુકવે ત્યારે પોતાના ઘરેણા પરત આપી દેવા કહ્યું હતું. લાંબો સમય થવા છતાં રોકાણ કરેલી રકમ પરત ન આપતા સોનાના ઘરેણા વેચવા ગયા ત્યારે ઘરેણા સોનાના નહી પણ ધાતુના હોવાનું સોની વેપારીએ જણાવતા પોતાની સાથે કુટુંબી ભત્રીજાએ રૂા.21.50 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદમાં જણાવ્યું છે.
કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે પ્રેસીયસ કોમ્પ્લેક્ષમાં રહેતા ભાવેશભાઇ મણીલાલ પારેખ નામના સોની વેપારીએ રાજસ્થાનમાં શ્રી ગંગાનગર ખાતે રામ જવેલર્સ નામની પેઢી ધરાવતા મિલનભાઇ સતપાલ સોનીએ રૂા.14.18 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મિલનભાઇ સોનીએ ઓનલાઇન વેબસાઇટ જસ્ટ ડાયલ દ્વારા ભાવેશભાઇ પારેખનો સંપર્ક કરી ગત તા.24-3-22ના રોજ 356 ગ્રામ સોનાની બાલીનો ઓર્ડર આપી રૂા.50 હજાર આરટીએસ દ્વારા ભાવેશભાઇ પારેખના પદ્મમણી જવેલર્સ નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. બાકીના રૂા.14.18 લાખ સોનાની બાલી રાજસ્થાન મળી જાય ત્યારે કરવાનું હતુ તે પેમેન્ટ આજ સુધી ન કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.