નવલી નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. ચારે તરફ એક અનોખો ભકિતભાવ જોવા મળે છે. ઘટસ્થાપના,દેવી સ્તુતિ, મધુર ઘંટડીના રણકાર, દીવા-બતી-ધુપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રીનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રીનાં તહેવારનું એક વિશેષ મહત્વ છે.
શહેરભરમાં 250થી વધુ સ્થળોએ પ્રાચિન-અર્વાચીન ગરબા માટેની તૈયારીઓને આખરી ઓપ આપતા આયોજકો
નવરાત્રીને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. ત્યારે જામનગરમાં 250થી વધુ સ્થળોએ અર્વાચિન પ્રાચીન ગરબા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખેલૈયાઓ નવ દિવસ ગરબે ધૂમવા માટે આતુર જોવા મળી રહ્યા છે.
જામનગર માં શહેર નાં નવરાત્રિ ઉત્સવમાં અતિ લોકપ્રિય એવા સરગમ નવરાત્રિ મહોત્સવ નું આયોજન લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવા માં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલા વિશાળ પ્રદર્શન મેદાનમાં દરરોજ રાત્રે 8:30 થી 12 વાગ્યા સુધી આ ગરબા મહોત્સવ યોજાશે.
સરગમ નવરાત્રિ મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૃપ ગરબા મહોત્સવ આ વરસે પ્રાચીન-અર્વાચીન પરંપરા અનુસાર 160 જેટલી જગદંબા સ્વરૃપ દીકરીઓ માઁ ની આરાધના કરશે. જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારિક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે સૂચારૃ વ્યવસ્થા કરવામાં આવી છે.સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે રપ થી વધુ પ્રાઈવેટ સિક્યોરિટી ઉપરાંત 1પ થી વધુ સ્વયંસેવક ભાઈઓ ખડેપગે રહે છે.
આ નવરાત્રિ મહોત્સવનું લાઈવ પ્રસારણ જય કેબલ દ્વારા કરવામાં આવશે. તેમજ આપના કોઈ સગા-સંબંધી વિદેશમાં હોય કે કોઈ બીજા શહેરમાં રહેતા હોય તો પણ ઈન્ટરનેટ દ્વારા ગરબા લાઈવ જોઈ શકશે. સમગ્ર એરેનાને 10 થી વધુ સીસી ટીવી કેમેરા દ્વારા સુસજ્જ કરવામાં આવેલ છે. મહોત્સવ માણનારો માટે પાર્કિંગની સુવિધા પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.નવરાત્રિ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર મેડિકલ ટીમ સજ્જ રહેશે.
ભરતકામ-આભલા મઢેલા ગરબાની ધોમ ખરીદી
’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં દરેક ધાર્મિક તહેવાર શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી ઉજવાય છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્યોત્સવ નવરાત્રિ માતાજીની ઉપાસનાનું પર્વ છે. નવરાત્રિમાં શક્તિ ઉપાસનામાં ગરબાનું આગવું મહત્વ છે. પરંપરાગત રીતે ગરબામાં 27 છીદ્ર હોય છે જે 27 નક્ષત્રનાં પ્રતિક છે. ગરબાને મધ્યમાં સ્થાપિત કરી ગરબે ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું ફળ મળે છે એવી માન્યતા છે. જામનગરમાં આ વખતે 50 રૂ. થી 2 હજાર સુધીની કિંમતમાં અવનવા ગરબાઓ ઉપલબ્ધ છે.લોકો પોતપોતાની પસંદ અનુસાર ગરબા ખરીદી રહ્યા છે. શ્રી આશાપુરા માતાજી તથા શ્રી અંબે માતાજીની આકૃતિવાળા ગરબાઓનું ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. ભરતકામ અને આભલા મઢેલા ગરબા પણ દર વર્ષની જેમ લોકપ્રિય છે. જે ગરબા નો સ્થાપન કરવા માટે માઈ ભક્તો દ્વારા ગરબા વિક્રેતાઓને ત્યાં ગરબા મેળવવા માટે કતાર લગાવાઇ છે.
‘વેલકમ નવરાત્રિ’ના કાર્યક્રમમાં યુવાધન હિલોળે ચઢયુ
આસો મહિનાની નવરાત્રિ એટલે માઁ ની આરાધનાના દિવસો. ત્યારે હવે આસો મહિનાના નોરતાની શરૂઆત થવાને આડે માત્ર ત્રણ દિવસ બાકી રહયા છે. ત્યારે માઈભકતો તેમજ ખેલૈયાઓમાં નોરતાની ઉજવણી કરવા થનગનાટ જોવા મળી રહયો છે. હાલ ખાસ કરીને સાક્ષાત માતાજીનું સ્વરૂપ ધારણ કરતી નાની બાળાઓ માતાજીના ગરબા રમવા મોડીરાત્રિ સુધી પ્રેકટીસ કરી રહી છે. આ ઉપરાંત જામનગર શહેરમાં અને આસપાસના હાઇવે હોટલ- ખાનગી પ્લોટ સહિતના વિસ્તારમાં 10 થી વધુ જગ્યાએ અર્વાચીન ગરબાઓ પણ થવાના છે. ત્યારે હાલ તો જામનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વેલકમ નવરાત્રિ કરવા માટે રાત્રિના આયોજનો શરૂ થઈ ગયા છે. ગઈકાલે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ સામે એક ગૃપ દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે અન્ય ખાનગી પાર્ટી પ્લોટ, જુદી જુદી જ્ઞાતિની વાડી અને હાઇવે હોટલ સહિતના વિસ્તારોમાં એક દિવસીય વેલકમ નવરાત્રી ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં પણ ખેલૈયાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ યુવાધન મન મૂકીને ઝુમતું જોવા મળ્યું હતું. હાલ શહેરના અલગ અલગ ગૃપ દ્વારા વેલકમ નવરાત્રિના આયોજનો પુરબહારમાં ચાલી રહયા છે.
માઁ આધ્યા શક્તિ ના આરાધના ના પર્વની તૈયારીઓ પૂરજોશમાં : ઠેર ઠેર માતાજીના મંડપ ઊભા થયા
છોટી કાશીના ઉપનામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં આધ્યા શક્તિના ઉત્સવ એટલે કે નવરાત્રી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, અને શહેરના અનેક વિસ્તારોમાં ચોક તેમજ શેરી ગલીમાં માતાજીના મંડપારોપણ થઈ ચૂક્યા છે, અને ગરબે ઘુમવા માટે નાની બાળાઓથી લઈને મોટેરાઓ સુધીમાં થનઘનાટ જોવા મળી રહ્યો છે.
જામનગર શહેરમાં અને આસપાસના વિસ્તારમાં 250 થી વધુ સ્થળો પર નાની મોટી પ્રાચીન- અર્વાચીન ગરબીઓ થાય છે, અને નવ દિવસ દરમિયાન માતાજીના ગુણગાન ગવાય છે, જ્યારે નાની મોટી બાળાઓ ગરબે ઘૂમે છે. જામનગર શહેરના ખાસ કરીને પંચેશ્વરટાવર ના આસપાસના વિસ્તારમાં 9 થી વધુ પ્રાચીન ગરબી ના આયોજનો થાય છે, તે જ રીતે જામનગરના પટેલ કોલોની વિસ્તાર સરૂ સેક્શન રોડ, પોલીસ હેડ ક્વાટર્સ નો વિસ્તાર, ગાંધીનગર, મોમાઈ નગર, ઉપરાંત કડિયાવાડ, દરબારગઢ, શાકમાર્કેટ, દિગ્વિજય પ્લોટ, સાધના કોલોની, રણજીત નગર, ખોડિયાર કોલોની સહિતના અનેક વિસ્તારોમાં નાની મોટી પ્રાચીન-અર્વાચીન ગરબીઓનું આયોજન થાય છે.