ભારતને 19 વર્ષ પછી મેડલ જીતાડીને દેશનું નામ રોશન કર્યું
ભારતના જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ અમેરિકાના યૂઝીનમાં 18મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે.તેણે 88.13 મીટર ભાલો ફેંકીને આ મેડલ હાંસલ કર્યો હતો. ગોલ્ડ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 90.46 મીટર ભાલા ફેંકમાં જીત મેળવી હતી. પીએમ મોદીએ લખ્યું “અમારા સૌથી ખાસ એથ્લેટમાંથી એકની શાનદાર સિદ્ધિ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ મેળવનાર નીરજ ચોપરાને જીત બદલ અભિનંદન. ભારતીય રમતો માટે આ ક્ષણ ખાસ છે. આગામી સ્પર્ધાઓ માટે નીરજને શુભકામનાઓ.”
39 વર્ષ જૂની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. જો કે, 19 વર્ષ બાદ આ ચેમ્પિયનશિપમાં દેશને મેડલ મળ્યો છે. નીરજ પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં લોન્ગ જંપમાં બ્રોન્ઝ જીત્યો હતો. નીરજ આ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પ્રથમ એથ્લેટ બની ગયો છે. તેમજ તે પ્રથમ ભારતીય પુરૂષ એથ્લેટ્સ છે, જેણે આ ચેમ્પિયનશિપમાં કોઈ મેડલ જીત્યો છે.
નીરજે ગયા વર્ષે ઓલિમ્પિકમાં 120 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો હતો અને ભારત માટે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે આ મેડલ લાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન સૌપ્રથમ 1983માં કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ભારત પાસે એક પણ ગોલ્ડ મેડલ નથી. પુરૂષ ખેલાડીઓ આજ સુધી એક પણ મેડલ જીતી શક્યા નથી.
24 વર્ષીય ભારતીય સ્ટાર કોણીની સર્જરીને કારણે ગઈ સિઝનમાં રમી શક્યો ન હતો. 2017ની સિઝનમાં પણ તે ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી. તેણે 82.26 મીટરનો સ્કોર કર્યો હતો.