‘અબતક’ની મુલાકાતે આવેલા ગ્રેટર ચેમ્બરના નવનિયુક્ત પદાધિકારીઓની ખાસ વાતચિત
નાનાં ફુડ પેકેટ પર સરકારે જીએસટી નાખ્યો એથી વેપારીઓ હવે ખૂલ્લા ફૂડ પડિકાં વેંચવા પ્રેરાશે, જે જનઆરોગ્ય માટે યોગ્ય નથી એવું ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવનિયુક્ત પ્રમુખ રાજીવભાઇ દોશીએ ‘અબતક’ની મુલાકાત વખતે જણાવ્યું હતું. ગ્રેટર ચેમ્બર દ્વારા તાજેતરમાં નવી કારોબારીની રચના કરવામાં આવી છે જેમાં અનુભવી સાથે યુવાલોહીને પણ તક આપવામાં આવી છે.
રાજીવભાઇ દોશીએ જણાવ્યું કે ગ્રેટર ચેમ્બર પાર્ટી પોલીટીક્સથી ઉપર ઉઠીને વેપારી અને ઉદ્યોગકારના પ્રશ્ર્નને ખરા અર્થમાં મહાજનની ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે અમે વિવિધ પ્રશ્ર્ને રજૂઆતો વધારશું અને એગ્રેસીવ રીતે તંત્રને ઢંઢોળશું. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે જીએસટી અને ઇન્કમટેક્સના પ્રશ્ર્નો વધુ છે. જેમ કે તંત્રએ નાનાં ફૂડ પેકેટ પર જીએસટી દાખલ કર્યો છે. જેથી વેપારીઓ હવે ખુલ્લા ફૂડ પેકેટ વેંચવા પ્રેરાશે એ સ્વભાવિક છે. આથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થશે. સરકાર એક બાજુથી જન આરોગ્યની ચિંતા કરતી હોય તો તેણે ફૂડ પેકેટ પર જીએસટી ન નાખવો જોઇએ.
તેમણે કહ્યું કે વિકાસ થઇ રહ્યો છે પણ એ માટેનું માળખું વધુ મજબૂત કરવાની જરૂર છે. જેમ કે રાજકોટની વાત કરીએ તો ચારેબાજુ ઓવરબ્રિજનું કામ થાય છે પણ એને કારણે ટ્રાફિકના પ્રશ્ર્નો ખૂબ વધ્યા છે એનું નિરાકરણ આવવું જોઇએ એ ઉપરાંત જ્યાં કામ નથી ચાલતા ત્યાં પણ ટ્રાફીકની સમસ્યા છે તો કોર્પોરેશન અને પોલીસ તંત્રએ સંકલન સાધીને તેનો ઉકેલ વહેલી તકે મેળવવો જોઇએ.
સરકારે હોસ્પિટલના રૂમના રૂ.5000ના ભાડા પર ટેક્સ નાખ્યો છે તો મધ્યમ વર્ગનો માણસ પણ આવી હોસ્પિટલમાં સારવાર લેતો હોય છે ને આટલા ભાડાના રૂમ રાખવા પડતા હોય છે ત્યારે તેની હાલત શી થાય? એવું રાજીવભાઇએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે વેપારી-ઉદ્યોગકારોને સબસીડી, લોન સહિતના પ્રશ્ર્નો છે જેનું અમે વન ટુ વન નિરાકરણ કરાવશું. વળી સ્ટાર્ટઅપ મુદ્ે ખાસ કોઇ કામગીરી થઇ નથી ત્યારે એ દિશામાં પણ વર્કશોપ સહિતના કાર્યક્રમો હાથ ધરશું. વેપારી અને ઉદ્યોગકારોના મનમાંથી તંત્ર પ્રત્યેની બીક દૂર થાય તેવા પ્રયાસ કરશું.આ તકે ગ્રેટર ચેમ્બરના ચેરમેન ધનસુખભાઇ વોરા અને માનદ્ મંત્રી જગદીશભાઇ સોનીએ ટેક્સેશન સિમ્પલ કરવા અને રાજકારણીઓની મફ્ત આપવાની જાહેરાત મુદ્ે લોકોએ જાગૃત્ત થવા હાંકલ કરી હતી.
- ગ્રેટર ચેમ્બરમાં અનુભવી સાથે નવા લોહીનો સંગમ
- ધનસુખભાઇ વોરા, રાજીવભાઇ દોશી સાથે ઉપેનભાઇ મોદી, સુનિલભાઇ વોરા, કિરીટભાઇ આદ્રોજા સહિતના હોદ્ેદારોની નિમણૂંક
ગુજરાતના વેપાર ઉદ્યોગના પ્રશ્ર્નો, વિકાસ, પ્રગતિ અને ઉત્થાન માટે છેલ્લા બે દાયકા સતત કાર્ય કરતી અને વેપાર ઉદ્યોગના જટિલ પ્રશ્ર્નો માટે વાદ વિવાદ નહિ પણ સંવાદની ભૂમિકા ભજવી અને કાયદાકીયરીતે પણ મહત્વના પ્રશ્ર્નોને વાચા આપવા જેનો સિંહ ફાળો છે તેવી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આગામી બે વર્ષ 2022-24 માટે સંપૂર્ણ લોકશાહી પદ્વતિથી યોજાયેલી ચુંટણીમાં ચૂંટણી કમિશનર તરીકે જાણીતા શિક્ષણવિદ ગોવિંદભાઇ ખૂંટ, પ્રો.જે.એમ.પનારા અને સી.એ. પી.ટી. માંકડિયાના ત્રણ વ્યક્તિના બનેલા ચૂંટણી પંચ દ્વારા નિયત સમય મર્યાદા કોઇપણ જાતના વાદ વિવાદ વગર ચૂંટણી કાર્ય સંપન્ન કરેલ જેમાં 25 કારોબારી સભ્યોને સર્વાનુમતે ચૂંટાયેલા જાહેર કર્યા. ચૂંટણી પરિણામ બાદ ચૂંટણી પંચની ઉપસ્થિતિમાં નવા નિમાયેલા કારોબારી સભ્યોની પ્રથમ મિટિંગમાં આગામી બે વર્ષ માટે હોદ્ેદારોની સંપૂર્ણ સર્વાનુમતે સભ્યોની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે રાજકોટના જાણીતા સી.એ. રાજીવભાઇ દોશી સર્વાનુમતે વરણી કરવામાં આવી.
પ્રમુખ સ્થાને રાજીવભાઇ દોશીએ સંસ્થાના પાયા પથ્થર અને વેપાર ઉદ્યોગ માટે સતત કાર્યશીલ અને વેપાર ઉદ્યોગનું ઊંડું જ્ઞાન ધરાવતા ધનસુખભાઇ વોરાની સેવા સંસ્થાને અવિરત મળતી રહે તે માટે તેમની ચેરમેન એમીરેટ્સ તરીકે કસાયેલા કાર્યકર ઉદ્યોગપતિ કાંતિભાઇ જાવિયાની વાઇસ ચેરમેન તરીકે મુકાયેલા પ્રસ્તાવને સભ્યોએ સર્વાનુમતે મંજૂર કરેલ. કારોબારી સભ્યોના ટેકા અને દરખાસ્તથી પ્રમુખ રાજીવભાઇ દોશીએ આગામી બે વર્ષ માટે ઉપપ્રમુખ તરીકે રાજકોટ અને મોરબીના જાણીતા ઉદ્યોગપતિ કિરીટભાઇ આદ્રોજા (એન્જલ પંપ પ્રા.લી.) રમેશભાઇ ઝાલાવાડીયા (રાધિકાર હાઇડ્રોલિક) અને ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયા (જયંત બેરિંગ) સર્વાનુમતે વરણી કરવામાં આવી.
ત્યારબાદ જાણીતા ઉદ્યોગપતિ અને સામાજીક અગ્રણી ઉપેનભાઇ મોદી (અર્હમ ગ્લોબ કોર્પ)ની માનદ મંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. જગદીશભાઇ સોની (વ્રજ ઓરનામેન્ટસ), સુનીલભાઇ ચોલેરા (આદિનાથ કોર્પો), સંસ્થાના સહમંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. તેવી જ રીતે સંસ્થાના પીઢ અનુભવી અજીતસિંહ જાડેજા (મનહર પિસ્ટન્સ) ફરીથી ખજાનચી તરીકે વરણી કરવામાં આવી અને સહ ખજાનચી તરીકે અશોકભાઇ સુરેલીયા (સુરેલિયા વાયરક્ટ પ્રા.લી.) વરણી કરવામાં આવી.
આગામી બે વર્ષ માટે કારોબારી સભ્ય તરીકે મનસુખભાઇ પાંભર (એફ ટેક એન્જી કુ), હર્ષદભાઇ ખૂંટ (ગણેશ સેલ્સ એજન્સી), સુનીલભાઇ વોરા (શ્રીજી એન્ટરપ્રાઇઝ), હિતેશભાઇ વિઠલાણી (ઠા.ગીરધરલાલ ભીમજી), મયુરભાઇ શાહ (સ્વાતિ એન્ટરપ્રાઇઝ), અંકિતભાઇ કાકડીયા (ગોપાલ ફોર્જ), નરેન્દ્રભાઇ મહેતા (મહાવીર ઇમિટેશન જ્વેલરી), રાજેન્દ્રસિંહ જાડેજા (રતક ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ.પ્રા.લી.), તપનભાઇ વોરા (ધીરજલાલ પ્રેમચંદ વોરા), સી.એ. વિનયભાઇ સાકરીયા (મે સાકરીયા એન્ડ એસોસિયેટ), મનોજભાઇ વરમોરા (સનસાઇન ટાઇલ્સ પ્રા.લી.મોરબી), દેવાંગભાઇ પીપળીયા (આર.બી.પીપળીયા એન્ડ કું.) હેમલભાઇ કામદાર (વાય.એમ.કામદાર એસોસિયેટ), સંજયભાઇ મહેતા (મે.અમૃતલાલ વાલજી એન્ડ સન્સ)ની કારોબારી સભ્યો તરીકે વરણી છે.
‘અબતક’ની મુલાકાત વખતે ધનસુખ વોરા (ચેરમેન), રાજીવ દોશી (પ્રમુખ), કાંતિભાઇ જાવિયા (વાઇસ ચેરમેન), ઇશ્ર્વરભાઇ બ્રાંજોલિયા (વાઇસ પ્રેસિડન્ટ), રમેશભાઇ લાવડીયા (વાઇસ પ્રેસિડન્ટ), ઉપેનભાઇ મોદી (સેક્રેટરી), જગદીશ સોની (જોઇન્ટ સેક્રેટરી) તથા અશોકભાઇ સુરેલીયા (જોઇન્ટ ટ્રેઝરર) હાજર રહ્યા હતા.