ફેબ્રુઆરી માસ સુધીમાં ૧૦૦% વેકસીનેશનનો લક્ષ્યાંક !!

અબતક, વીએના

કોરોનાને ફરીથી પોતાના દેશમા ના પ્રવેશવા દેવા માટે ઓસ્ટ્રિયાએ હાલ એક ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાન્સેલર એલેક્ઝાન્ડર શેલેનબર્ગે શુક્રવારના રોજ જાહેરાત કરી હતી કે, ઓસ્ટ્રિયા એવા લોકો પર રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદશે કે, જેમણે હજુ સુધી વેક્સીન લીધી નથી. આવુ પગલુ લેનાર ઓસ્ટ્રિયા વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.શેલેનબર્ગે ટાયરોલમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમા જણાવ્યુ હતું કે, રવિવારની બેઠકમા આ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને ઔપચારિક મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. આ નવા પ્રતિબંધોનું પાલન થાય છે કે નહિ, તે સુનિશ્ચિત કરવા માટે તેની રેન્ડમલી તપાસ પણ કરવામાં આવશે.

રોયટર્સના અહેવાલ મુજબ શેલેનબર્ગે કહ્યું હતુ કે, “રસી વિનાના લોકો માટે આ લોકડાઉન કંઈક એવું હશે કે, આ લોકો કામ માટે ઓફિસ પર તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે બહાર જવુ જેવી બાબતો સિવાય ઘરની બહાર નીકળી શકશે નહિ. અગાઉ વર્ષ ૨૦૨૦ મા પણ આપણે કંઈક આ જ પ્રકારના માહોલમા રહી ચુક્યા છીએ.”

ઓસ્ટ્રિયાના એક ભાગમાં રસી વિનાના લોકડાઉનને ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી ચૂકી છે. અહીંની પબ્લિક માટે અમુક વિશેષ પ્રતિબંધોની પણ જાહેરાત કરવામા આવી છે. આ પ્રતિબંધોમા જાહેર સ્થળોએ એફએફપી-૨ માસ્ક ફરજિયાતપણે પહેરવુ અને ૩ અઠવાડિયા માટે તમામ પ્રકારના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ જેવી બાબતો પણ શામેલ છે. ઓસ્ટ્રિયામા દરરોજના કોરોના વાયરસના કેસ આ અઠવાડિયે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા જેમાં બુધવારના રોજ ૧૧,૫૭૬ નવા કેસ નોંધાયા હતા. આ સિવાય શુક્રવારના રોજ વધુ ૧૧,૦૪૦ નવા કેસ નોંધાયા હતા, જેમાં ૪૦ લોકોના મૃત્યુ થયા હતા. ૧૩ એપ્રિલ પછી આ આંક સૌથી મોટો રહ્યો છે.

ઓસ્ટ્રિયાની લગભગ ૬૦ ટકા વસ્તી વેક્સીનેટેડ થઇ ચુકી છે જેનો અર્થ એવો છે કે, અહીં જાહેર કરવામા આવેલ લોકડાઉન લગભગ ૪૦ ટકા વસ્તીને જ અસર કરશે. જો કે, આ લોકડાઉન કેટલી હદ સુધી પારદર્શક રહેશે તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે કારણકે, તે વસ્તીના માત્ર એક જ ભાગને લાગુ પડે છે. શેલનબર્ગ કહે છે કે, ” અમારુ તંત્ર કોઈ પોલીસ તંત્ર નથી કે, જે દરેક ખૂણે-ખૂણે જઈને તપાસ કરે કે, આ લોકડાઉનનુ યોગ્ય રીતે પાલન થાય છે કે નહિ? અને અમારા તંત્રને આવુ બનાવવા પણ નથી ઇચ્છતા.” હાલ, ઓસ્ટ્રિયાએ કોરોનાને પોતાના દેશથી અને દેશના લોકોથી દૂર રાખવા માટે એક મુહિમના ભાગરૂપે આ પગલું લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.