- સસ્તામાં સોનું આપવાની લોભામણી લાલચ દઇ રાજકોટ બોલાવી રૂ.20 લાખ રોકડા લઇ સોનું ન આપ્યું: બે શખ્સોની શોધખોળ
- રૂ.7.60 લાખની રોકડ સાથે બંને શખ્સોને આજી ડેમ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા
લોભીયાનું ધન ધૂતારા ખાઇ તેમજ રાજસ્થાનના બે સોની વેપારીઓ સસ્તામાં સોનું ખરીદ કરવા રાજકોટ આવ્યા બાદ ચાર શખ્સોએ રૂા.40 લાખમાં એક કિલો સોનું આપશે તેવી લોભામણી લાલચ દઇ અડધુ પેમેન્ટ એડવાન્સ આપવું પડે તેમ કહી રૂા.20 લાખ ચારેય શખ્સોએ મેળવી લીધા બાદ રાજસ્થાનના બંને વેપારીઓને રાજકોટ અને અમદાવાદ બે દિવસ સુધી કારમાં ફેરવ્યા બાદ બંને વેપારીની નજર ચુકવી ફરાર થઇ ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા ક્રાઇણ બ્રાન્ચના સ્ટાફે બે ઠગને આજી ડેમ ચોકડી પાસેથી રૂા.7.60 લાખની રોકડ સાથે ઝડપી તેની સાથે સંડોવાયેલા બે શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના જોધપુર વિરમહોલા ચાંદપોલ રોડ પર રહેતા અને ઘર પાસે જ શ્રી કૃષ્ણા જવેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા જનકભાઇ વિજયકિશન સોનીએ રાજુ, ધમેન્દ્ર, જયેશ અને હસમુખ નામના રાજકોટ અને કચ્છના શખ્સોએ રૂા.20 લાખની છેતરપિંડી કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.વાય.બી.જાડેજા, પી.એસ.આઇ. એમ.જે. હુણ, એએસઆઇ હિતેન્દ્રસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને અમિતભાઇ અગ્રાવત સહિતના સ્ટાફે ઠગાઇના ગુનામાં સંડોવાયેલા બોટાદના પાળીયાદ રહેતા વાલજી ધનજી મકવાણા ઉર્ફે જયેશ પટેલ અને કોઠારિયા સોલવન્ટના ઇનાયત નાસિર શેખ ઉર્ફે રાજુ નામના શખ્સોની આજી ડેમ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. બંને શખ્સો પાસેથી રૂા.7.60 લાખની રોકડ કબ્જે કરી છે. બંને શખ્સોની પૂછપરછ દરમિયાન મોરબીના હિતેશ મકવાણા અને દેવભૂમિ દ્વારકાના હસુભાઇ ઉર્ફે ધમેન્દ્રની સંડોવણી હોવાની કબુલાત આપતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.
જનકભાઇ સોનીના મિત્ર રવિકુલસિંહ ચૌધરીએ બીલ વિનાનું 20 ટકા ઓછા ભાવે સોનું કચ્છના હસમુખભાઇને વેચવાનું હોવાની વાત કરી હતી. આથી જનકભાઇ સોનીએ સસ્તા ભાવે સોનું ખરીદ કરવાની તૈયારી બતાવતા હસમુખભાઇએ પોતાની પાસે એક કિલો સોનુ છે તે રૂા.40 લાખમા વેચી નાખવાનું કહી સોનું જોવા માટે કચ્છના માંડવી ખાતે આવી કિશોરભાઇ નામની વ્યક્તિને મળવા જણાવ્યું હતું.
કિશોરભાઇ સાથે ટલિફોનિક વાચચીત કરી સસ્તામાં સોનાનો સોદો નક્કી કર્યા બાદ હસમુખભાઇએ પોતાને દુબઇ જવાનું હોવાથી કચ્છમાં નહી રાજકોટ આવી જવા જણાવ્યું હતું.જનકભાઇ સોની અને તેમના મિત્ર રવિકુલસિંહ ચૌધરી ટ્રેનમાં જોધપુરથી રાજકોટ આવ્યા હતા ત્યારે એક કિલો સોનાના રૂા.40 લાખ થશે તેનું અડધુ પેમેન્ટ પહેલાં મગાવો ત્યાર બાદ તમને ડીલીવરી આપવામાં આવશે તેમ કહેતા સોની બજારમાં આવેલી આંગડીયા પેઢીમાં રૂા.20 લાખ જોધપુરથી મગાવી લીધા હતા. જનકભાઇ સોની અને રવિકુલસિંહ ચૌધરી સાથે સોની બજારમાં રાજુભાઇ ગયા હતા ત્યાંથી રૂા.20 લાખ મેળવી જયેશભાઇની સાથે મોબાઇલમાં વાત કરી ત્યારે તેમને રોકડ રકમ સાથે કારમાં ચોટીલાની ઓનેસ્ટ હોટલે બોલાવ્યા હતા.
ચોટીલા જયેશ અને ધમેન્દ્ર નામની વ્યક્તિઓ મળ્યા હતા. સોનું તમને અમદાવાદથી અપાવી દેવાનું કહી રોકડ રકમનો થેલો રાજુ લઇ વેગનઆર કારમાં રાજકોટ જતો રહ્યો હતો અને વર્નાકારમાં જનકભાઇ સોની અને રવિકુલસિંહ ચૌધરીને જયેશ અને ધર્મેન્દ્ર લઇ અમદાવાદ જવા નીકળ્યા હતા. રાતે મોડુ થઇ ગયું છે. તમે અમદાવાદની હોટલમાં રોકાઇ જવાનું કહી સવારે ધમેન્દ્ર સોના સાથે તમે બંનેને જોધપુર મુકી જશે તેમ કહી જયેશ ત્યાંથી નીકળી ગયો હતો.
ધમેન્દ્ર, જનકભાઇ સોની અને રવિકુલસિંહ ચૌધરી અમદાવાદ ગીતા મંદિર પાસે હોટલમાં રોકાયા હતા. ધર્મેન્દ્ર વર્ના કાર લઇ જતો રહ્યો હોવાથી જનકભાઇ સોનીએ પોતાનો સામાન લઇ ધમેન્દ્ર જતો રહ્યો છે. સોનું પહોચતુ કહો એટલે પોતે જોધપુર જતા રહે તેમ કહેતા જયેશ તેઓને અસલાલી ચોકડીએ બોલાવ્યા હતા ત્યાં જનકભાઇ સોની અને રવિકુલસિંહ ચૌધરી ત્રણ કલાક સુધી રાહ જોયા બાદ જયેશને ફોન કરતા તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યાની કબુલાત આપી છે.