બે દિવસ સુધી ઠંડીની જોર રહેવાની શકયતા : નલિયાનું ૪.૨, રાજકોટનું ૯.૯ અને જૂનાગઢનું ૧૦.૧ ડિગ્રી તાપમાન નોંધાયું
બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારે બરફ પડતા ઠંડીનું જોર વધ્યું
રાજ્યભરમાં ઠંડા પવનની સાથે કાતિલ ઠંડીનો દોર યથાવત છે. રાજ્યભરમાં શીતલહેર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં સક્રિય સાયકલોનીક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં પણ ઠંડી વધી છે. હજુ ઠંડીનું જોર આગામી ૨ દિવસ સુધી રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજકોટનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૯.૯ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહતમ તાપમાન ૨૩.૮ ડિગ્રી નોંધાયું છે હવામાં ભેજનું પ્રમાણ ૩૭ ટકા ને ૬ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર જેનું લઘુતમ તાપમાન ૪.૨ અને મહતમ તાપમાન ૨૩.૬ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને ૫ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૦.૧ અને મહતમ તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને ૪.૩ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
માઉન્ટ આબુમાં પારો માઈનસ ૨ ડિગ્રીએ પહોંચ્યો છે . ઉતરભારતમાં પડી રહેલી ઠંડીની સીધી અસર માઉન્ટ આબુ અને ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં આવનારા ૨ દિવસમાં કાતિલ ઠંડી પડશે અને આજે વહેલી સવારે બનાસકાંઠાના ડીસામાં બરફ પડ્યો હતો જેને લઇ ડીસાનું લઘુત્તમ તાપમાન ૬ ડીગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યના તમામ જિલ્લામાં લઘુતમ તાપમાનનો પારો ગગડયો છે અને રેકોડબ્રેક ઠંડી પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં વિવિદ્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદનું ૧૦.૧ ડિગ્રી, ડિસાનું ૬.૧ ડિગ્રી, વડોદરાનું ૧૦.૨ ડિગ્રી, સુરતનું ૬ ડિગ્રી, રાજકોટનું ૯.૯ ડિગ્રી, જૂનાગઢ-કેશોદનું ૧૦.૪ ડિગ્રી, ભાવનગરનું ૧૪.૪ ડિગ્રી, પોરબંદરનું ૧૨.૬ ડિગ્રી, વેરાવળનું ૧૩.૯, દ્વારકાનું ૧૪ ડિગ્રી, ઓખાનું ૧૬.૮ ડીગ્રી, ભુજનું ૮.૬ ડિગ્રી, નલિયાનું ૪.૨ ડીગ્રી, સુરેન્દ્રનગરનું ૧૦ ડિગ્રી, અમરેલીનું ૧૦.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૮ ડિગ્રી, મહુવાનું ૧૩.૮ ડિગ્રી, દિવનું ૧૨.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
- વહેલી સવારે બનાસકાંઠાના વાવમાં ૨.૧ની તીવ્રતાનો આંચકો
રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂકંપનાં આંચકા આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ૫.૫૭એ બનાસકાંઠાના વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા ૨.૧ રિકટર સ્કેલ નોંધાઈ હતી.ભૂકંપનું કેંદ્રબિંદુ વાવથી ૪૮ કિમી દૂર નોર્થ ઇસ્ટ નોર્થ નોંધાયું હતું. આ ઉપરાંત ગઈકાલે રાતે ૧૦.૧૧ વાગ્યે સુરેન્દ્રનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા ૧.૯ રિકટર સ્કેલની હતી. જેનું કેંદ્રબિંદુ સુરેન્દ્રનગરથી ૨૯ કિમી દૂર સાઉથ વેસ્ટ સાઉથ ખાતે નોંધાયું હતું.