શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે તા.૧૨ થી શ‚ થતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે પરીક્ષા હાલ જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. મોટેભાગે જીવનના જુદા-જુદા ક્ષેત્રમાં પ્રવેશ અને સફળતા મેળવવા માટે ડગલને પગલે પરીક્ષા આપવી જ પડતી હોય છે.
ત્યારે કારકિર્દીના માઈલસ્ટોનસમી આ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા કે જે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે માઈલસ્ટોન ગણાય છે તેના માટે વિદ્યાર્થીઓ આખુ વર્ષ મહેનત કરતા હોય છે અને ખાસ કરીને માર્ચ-એપ્રિલ એ પરીક્ષાના મહિના કહેવાય છે ત્યારે વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન આપતા તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ પરીક્ષામાં જવલંત સફળતા મેળવવા માટે વાંચવાની ગુણવતા કેળવો એટલે કે તમે જે પણ વાંચો તે પુરા મનથી, રસથી અને અકાગ્રતાથી વાંચો. ન સમજાતા મુદા માટે જે-તે વિષયના શિક્ષક સાથે ચર્ચા કરો તેની પાસેથી માર્ગદર્શન મેળવો, એકલા વાંચવાના બદલે ગ્રુપમાં વાંચો, મહત્વના વિષય પર પરસ્પર ચર્ચા કરો.
પરીક્ષા સમયે ખોટા સ્ટ્રેસથી દુર રહી હકારાત્મક અભિગમ કેળવી તમારી પ્રેરણા અને આદર્શોને હંમેશા તમારા મનમાં રાખો અને તમારી સફળતા માટે હંમેશા હકારાત્મક બનો એટલે જવલંત સફળતા તમારા હાથવેંતમાં જ છે. પરીક્ષા એ એક પડાવ છે જીવનનું અંતિમ સત્ય નથી, પરીક્ષા એ લક્ષ્યપ્રાપ્તિને હાંસલ કરવાનું સાધન છે એવું અંતમાં જણાવ્યું છે.