રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયાના બે મહિના બાદ કોર્પોરેશન તંત્રને અચાનક સલામતીનું ભાન થયું હોય તેવું લાગી રહ્યું છે. રાતોરાત વોંકળા પરના સ્લેબ પર પતરાની આડશ ખડકી દેવામાં આવી છે. વેપારીઓની સલામતી માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે.
શિવમ કોમ્પ્લેક્સના ઓફિસ અને દુકાનદારો કોમ્પ્લેક્સમાં ન ઘુસે તેવા આશ્રય અને સલામતી માટે પતરા લગાવાયા
સર્વેશ્વર ચોકમાં બે મહિના પહેલા વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક વૃદ્વાનું મોત નિપજ્યું હતું અને 25 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં તાજેતરમાં કોર્પોરેશન દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શિવમ કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓ પોતાની દુકાન કે ઓફિસમાં જઇ શકતા નથી. દરમિયાન તાજેતરમાં અમૂક દુકાનધારકોએ પોતાની દુકાન ખોલી નાખી હોવાનું પ્રકાશવામાં આવ્યું હતું. ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન બને તે માટે કોર્પોરેશન દ્વારા ધરાશાયી થયેલા વોંકળાના સ્લેબથી લઇ મેહુલ કિચન્સ નામની દુકાન સુધી પતરાની આડશ ખડકી દીધી છે.
જેના કારણે વેપારીઓ હવે દુકાન કે ઓફિસમાં ન જઇ શકે. બીજી તરફ વોંકળા પર નવો રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની ડિઝાઇન ટૂંક સમયમાં આવી જશે. ત્યારબાદ એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે.