વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા અગમચેતીનાં પગલા રૂપે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનનાં કારણે ભારતમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાથી ઓછી માનવ ખૂવારી થવા પામી છે. પરંતુ વિશાળ વિસ્તારનાં કારણે દેશભરમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન બહાર આવતા રહે છે. જેથી કેન્દ્ર સરકારને લોકડાઉનના સમયગાળામાં ત્રણ વખત વધારો કરવો પડયો છે. વધતા લોકડાઉનના સમયગાળાના કારણે પહેલેથી મંદ પડેલા દેશના અર્થતંત્રને ભારે નુકશાની વેઠવી પડી રહી છે. જેથી કેન્દ્ર સરકારે માંદગીના બિછાને પડેલા અર્થતંત્રને ધબકતુ કરવા શહેરી વિસ્તાર બહારનાં ઔદ્યોગિક એકમોને અમુક શરતોને આધીન ફરીથી પ્રારંભ કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરીના પગલે રાજકોટના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવનારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનના મોટાભાગના ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યા છે. પરંતુ, લોકડાઉનના કારણે આ ઉદ્યોગોને અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જેની ‘અબતક’ની ટીમ દ્વારા શાપર-વેરાવળ ઔદ્યોગિક ઝોનનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કરીને સ્થિતિનો કયાસ મેળવ્યો હતો.
તમામ ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક્સ વાયર્સ અને કેબલ્સની તાતી જરૂરિયાત હોય છે તેમજ તમામ રોજિંદા જીવનથી માંડી તમામ ક્ષેત્રોમાં આ પ્રકારના ઉદ્યોગોની તાતી જરૂરિયાત હોય છે ત્યારે વાયર્સ અને કેબલ્સના ઉત્પાદક એકમોની પરિસ્થિતિ અંગે માહિતી આપતા અલ્ટ્રાકેબ વાયર્સ લિમિટેડના ડાયરેકટર પંકજ શીંગાળાએ જણાવ્યું હતું કે લોકડાઉન પૂર્વે અમારા ક્ષેત્રના ઉદ્યોગો પાસે અઢળક ઓર્ડર હતા પરંતુ અચાનક જ લોકડાઉન થતા બધું લોક થયું અને પરિસ્થિતિ વિફરી ગઈ.
ત્યારબાદ ફરીવાર ઔદ્યોગિક એકમોને છૂટછાટ આપવામાં આવી અને એકમોના તાળાં ખુલ્યા પરંતુ અમુક ઉદ્યોગો ખુલ્યા અને અમુક ઉદ્યોગો બંધ હાલતમાં જ રહ્યા તેમજ સરકારી પ્રોજેક્ટ્સ પણ હાલ બંધ છે તો ફિનિશ પ્રોડકટની સપ્લાય હાલ થંભી જવા પામી છે. તેમણે આ વિષયમાં વધુ જણાવતાં કહ્યું હતું કે વાયર્સ એન્ડ કેબલ્સના ઉત્પાદનમાં કોપર, એલ્યુમિનિયમ, સ્ટેઇનલ્સ સ્ટીલ જેવા ધાતુઓનો ઉપયોગ રો મટીરીયલ તરીકે કરવામાં આવે છે અને આ તમામ ધાતુઓ મોટાભાગે અન્ય રાજ્યોમાંથી આવે છે પરંતુ હાલ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી રો મટીરીયલની અછત ઉભી થઈ છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટેશનને કારણે અમુક કર્મચારીવર્ગ એકમ સુધી પહોંચી પણ શકતા નથી તો કર્મચારીઓની પણ ઘટ્ટ ઉભી થઈ છે તેમજ યેનકેન પ્રકારે પ્રોડક્શન કરી જ્યારે ફિનિશ ગૂડ્સના સપ્લાયની વાત આવે છે તો તેના માટે પણ ટ્રાન્સપોર્ટેશન મળતું નથી જેથી ટ્રાન્સપોર્ટેશનના અભાવે ફિનિશ ગૂડ્સ પણ ફેકટરી ખાતે પડ્યો છે. તેમણે રાહત પેકેજ વિશે જણાવતાં કહ્યું હતું કે કોઈ પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં નાણાકીય ખેંચતાણ સામાન્ય દિવસોમાં પણ રહેતી હોય છે અને હાલ જ્યારે ૪૦ દિવસથી ઉદ્યોગો બંધ હાલતમાં હતા ત્યારે નાણાકીય ખેંચતાણ ઉભી થવા પામી છે તો આવા સમયમાં આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ઉદ્યોગોને આશરે ૨૫% થી માંડી ૩૦% ટકા વર્કિંગ કેપિટલની જરૂરિયાત ઉભી થાય તો આરબીઆઈ અને બેંકોએ સરળ પ્રક્રિયાથી કંઈ રીતે નાણાકીય ખોટ પુરી શકાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી મંત્રણા કરવી પડશે. તેમણે એવું પણ કહ્યું હતું કે હાલ રાજ્ય અને કેન્દ્રની સરકાર ખૂબ સારી કામગીરી કરી રહ્યું છે જે અંતર્ગત વિજબીલ, ઈન્સ્ટોલમેન્ટ સહિતની પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે તેમ છતાં વર્કિંગ કેપિટલને ધ્યાને લઇ ભંડોળ ફાળવવું જરૂરી છે. તેમણે વૈશ્વિક બજારની અસર વિશે કહ્યું હતું કે જે રીતે ચાઈનાએ વિશ્વસનીયતા ગુમાવી છે તેના પરિણામે હવે ભારત અને ભારતીય ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સુવર્ણ તક છે ફક્ત સહયોગની જરૂર છે જે મળી રહે તો ભારતીય ઉદ્યોગકારો વૈશ્વિક ફ્લકે ઝળહળશે.