ગુજરાતમાં આખરે શિયાળાએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. ગત રાત્રિએ અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું 14.9 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ 13ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુંગાર રહ્યું હતું.
અમદાવાદમાં ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા શિયાળાનો પ્રારંભ થઇ ગયો હોવાનો અહેસાસ થાય છે. દિવસ દરમિયાન પણ સરેરાશ મહતમ તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થઇ ગયું છે. આજે અમદાવાદમાં ૩૦.૫ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી દિવસોમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. નવેમ્બરના અંતિમ સપ્તાહથી તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે જવાનું શરૃ કરી શકે છે.
ગત રાત્રિએ ગાંધીનગર ખાતે ૧૩ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. રાજ્યના અન્ય શહેરમાંથી વલસાડમાં ૧૪.૧, વડોદરામાં ૧૬, દીવમાં ૧૬.૨, ડીસામાં ૧૬.૪, ભાવનગરમાં ૧૬.૮, મહુવામાં ૧૭.૫, અમરેલીમાં ૧૭.૬, સુરત-સુરેન્દ્રનગરમાં ૧૯ અને રાજકોટમાં ૧૯.૪ ડિગ્રી ઠંડીનો પારો રહ્યો હતો. અમદાવાદમાં ૧૪.૯ ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ: દિવસના તાપમાનમાં પણ ઘટાડો