15મી નવેમ્બર સુધી મિશ્ર ઋતુ રહેશે: એકાદ-બે વાર ઝાકળ વર્ષાની પણ સંભાવના: 15મીથી શિયાળાનો વિધિવત આરંભ
સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનનો બિલ્લી પગે પગરવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડીરાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હજી એકાદ મહિનો મિશ્ર ઋતુનો અનુભવ થશે દિવાળી આસપાસ ઝાકળ વર્ષાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામા આવી છે 15મી નવેમ્બર બાદ શિયાળાની સિઝનનું સત્તાવાર આગમન થશે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થતાની સાથે જ હવે પવનની દિશા પણ ફરી છે. હાલ ઉતર-ઉતરપૂર્વના પવનો ફૂંકાવા લાગ્યા છે. એકાદ મહિનો મિશ્ર ઋતુનાં અનુભવ થશે. વહેલી સવારે અને મોડીરાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને દિવસ દરમિયાન ગરમી અનુભવાશે. લઘુતમ તાપમાન 20થી 25 ડિગ્રી સેલ્સીયસ વચ્ચે અને મહતમ તાપમાન 35 થી 40 ડિગ્રી સેલ્સીયસ વચ્ચે રહેશે દિવાળી સુધીમાં એકાદ બે વાર ઝાકળ વર્ષા થવાની પણ શકયતા રહેલી છે.
15મી નવેમ્બર બાદ શિયાળાની સિઝનનો વિધિવત આરંભ થશે. ત્યારબાદ ક્રમશ: રાજયભરમાં ઠંડીનું જોર વધશે આજે રાજકોટનું લઘુતમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ. જયારે પવનની ઝડપ સરેરાશ 8 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ઇશાન દિશા તરફથી હવે જમીન સ્તર પર સુકા પવનો ફૂંકાવા લાગ્યા છે. શિયાળુ પવનની અસર ચામડી પર થવા લાગી છે. હજુ ર0 થી રપ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે ત્યારબાદ ઠંડીનું જોર ક્રમશ: વધશે.