ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના ઉપક્રમે “શીતકાલીન યોગ શિબિર” યોજાઈ હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, માનવ શરીર મેળવીને ધર્મ, અર્થ અને કામ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવા માટેની સૌપ્રથમ જરૂરિયાત સ્વસ્થ અને નિરોગી શરીર છે. ગુજરાતના નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે યોગને જન-જન સુધી પહોંચાડવા માટે જન અંદોલન શરુ કર્યું છે. યોગની સાથે પ્રાકૃતિક અને સ્વસ્થ આહાર એ સ્વસ્થ મનુષ્ય જીવનનો મુખ્ય આધાર છે.
સેક્ટર – 22 રંગમંચ-ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આ શિબિરમાં ઉપસ્થિત રહી યોગસેવકોને યોગ સાથે સ્વસ્થ-પ્રાકૃતિક આહાર અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્ય સિવાય આ જીવસૃષ્ટિનો દરેક જીવ કુદરતના રસોડે પાકેલો ખોરાક જ આરોગે છે. જ્યારે તેનાથી વિપરીત આપણે જીભના સ્વાદ માટે ફળ, શાકભાજી અને અન્નમાં રહેલા પોષકતત્વોને રસોડામાં મારીને આરોગીએ છીએ. આવી રીતે શરીરને જરૂર હોય તેનાથી વિપરીત અને અશુદ્ધ ભોજન આરોગીએ તો આપણું શરીર કેવી રીતે સ્વસ્થ રહે?
કુદરત વિરુદ્ધ – અશુદ્ધ ખોરાક આરોગીને આપણે અનેક રોગ અને સમસ્યાઓને આવકારો આપીએ છીએ, તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, આજથી 40-50 વર્ષ પહેલાં કેન્સર, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટએટેક જેવી અનેક બીમારીઓથી સૌ અજાણ હતા. આજે નાના-નાના બાળકો પણ હાર્ટએટેક અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓના શિકાર બની રહ્યા છે. ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ તો ઘરે-ઘરે જોવા મળે છે. દુનિયામાં કારણ વગર કંઈ પણ થતું નથી, તેવી જ રીતે આ બીમારીઓ પણ મનુષ્યની જ દેન છે. આપણે આડેધડ યુરીયા, ડીએપી અને જંતુનાશક દવાઓથી આહાર પકવ્યો અને વર્ષો સુધી એ જ આહાર આરોગીને શરીર અને જમીનનું સ્વાસ્થ્ય પણ બગાડ્યું.
રાજ્યપાલએ કહ્યું હતું કે, સ્વસ્થ શરીર અને સુખી જીવન માટે પ્રાકૃતિક આહાર શ્રેષ્ઠ વિકલ્પ છે. રસાયણોના ઉપયોગ વગર માત્ર ગાય આધારિત ખેતીથી પકવેલા અનાજ, શાકભાજી અને ફળ ગુજરાતના દરેક ગામડાઓ સુધી પહોંચાડવા એ જ રાજ્ય સરકારનો મુખ્ય નિર્ધાર છે. આ નિર્ધારને પરિપૂર્ણ કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડે એક વિશેષ અભિયાન હાથ ધર્યું છે. યોગ બોર્ડ સાથે જોડાયેલા દરેક યોગ સાધકો યોગની સાથે પ્રાકૃતિક આહાર અંગે પણ નાગરિકોમાં જાગૃતિ લાવવાનું પ્રેરક કામ કરશે.
તમે સ્વસ્થ હશો તો દેશ સ્વસ્થ બનશે અને સ્વસ્થ દેશ થકી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું “વિકસિત ભારત @ 2047”નું સ્વપ્ન સાકાર થશે. એટલા માટે જ, બાળકોના ભવિષ્ય અને પરિવારના સ્વાસ્થ્ય માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે, આજથી આપણા ઘરમાં માત્ર પ્રાકૃતિક કૃષિથી પકવેલા ઉત્પાદનોનો જ આહારમાં ઉપયોગ કરીશું, તેવો રાજ્યપાલએ આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ નાગરિકોને સરળતાથી પ્રાકૃતિક ઉત્પાદનો મળી રહે તે માટે આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા મથક ખાતે પ્રાકૃતિક બજારો ઊભા કરવામાં આવશે. જેના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સીધા પોતાના ઉત્પાદનો નાગરિકોને વેચીને “સ્વસ્થ ભારત, સ્વસ્થ ગુજરાત”ના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગી બનશે.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આપણા ઋષિ મુનિઓએ શરીર સ્વસ્થ રાખવા માટે પ્રાચીન યોગાભ્યાસની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માનીને વિશ્વના કલ્યાણ માટે યોગવિદ્યાને વિશ્વફલક પર ઉજાગર કરી છે. યોગવિદ્યા એ એક-બે દિવસ નહિ, પરંતુ આહારની જેમ જ નિત્યક્રમનો એક ભાગ હોવો જોઈએ. કારણ કે, નિયમિત યોગ કરવાથી શરીર લચીલું બને છે, જ્યારે યોગાભ્યાસ વિનાનું અકળાયેલું શરીર રોગનું ઘર બને છે.
લોકો યોગની સાથે સ્વસ્થ આહારનું મહત્વ સમજે તેવા આયોજનો સમગ્ર રાજ્યમાં થાય અને તેમાંથી નાગરિકોને પ્રેરણા મળે તે ખૂબ જ જરૂરી છે. યોગ અને પ્રાકૃતિક આહારની સમજ આપીને તમે લોકોનું જીવન બચાવવાની પહેલ કરશો તો તેનાથી વિશેષ કોઈ પુણ્ય નથી, તેમ જણાવી રાજ્યપાલએ યોગ શિબિરના આયોજન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત સૌ યોગસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરા પટેલે યોગસેવકોનો ઉત્સાહ વર્ધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રાચીન યોગ પરંપરાને સમગ્ર વિશ્વ સમક્ષ પહોંચાડીને “સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા”ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ થકી ભારતના ઋષિમુનીઓ દ્વારા વિકસાવવામાં આવેલા યોગાભ્યાસને આજે વિશ્વના લગભગ 170 જેટલા દેશોએ અપનાવ્યો છે. ગુજરાતના હૃદયસમા ગાંધીનગરના નાગરિકો પણ યોગ અપનાવીને સ્વસ્થ જીવન જીવી શકે તે માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શીશપાલએ શિબિરના પ્રારંભે યોગાભ્યાસ કરાવીને સૌને યોગના મહત્વ વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતને યોગમય બનાવવું એ યોગ બોર્ડનો મુખ્ય ધ્યેય છે. ગુજરાતના દરેક ગામે-ગામ સુધી યોગ પહોંચાડવા માટે રાજ્યમાં આજે 5,000 યોગ ક્લાસ અને 1,00,000 જેટલા યોગ ટ્રેનર તૈયાર કરાયા છે. આગામી સમયમાં રાજ્યભરમાં 50,000 યોગ ક્લાસ અને 10,00,000 જેટલા યોગ ટ્રેનર તૈયાર કરીને યોગને ઘર-ઘર સુધી પહોંચાડવું એ જ અમારો લક્ષ્યાંક છે.
આ પ્રસંગે ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીટા પટેલ, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટવર ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વહીવટી અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.